મંત્રી વાસણભાઈ આહિરનાં અધ્યક્ષ સ્થાને કાલે યોજાશે કાર્યક્રમ
નવ નિર્મિત ભવનોનું લોકાર્પણ, શ્રેષ્ઠ શાળાઓ તથા ‘બેટી બચાવો બેટી ભણાવો’ અંતર્ગત વિદ્યાર્થિનીઓનું સન્માન કરાશે
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન જોડાશે
ગુજરાત રાજય શિક્ષણ વિભાગ તથા કમિશનર, શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા રાજયની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલીજગ્યાઓ પર શિક્ષણ સહાયકોની નિમણુંક માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. કચ્છ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નિમણુંક લેનાર ૨૯૯ જેટલા ઉમેદવારોને નિમણુંકપત્ર આપવાનો કાર્યક્રમ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતામાં તા.૭મી જાન્યુઆરી-૨૦૨૧ ગુરૂવારે બપોરે ૧૨ કલાકે ટાઉનહોલ, ભુજ ખાતે યોજવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, સર્વે ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચર્યુઅલ માધ્યમથી ઓનલાઇન જોડાશે.
સાથે સાથે સરકારી માધ્યમિક શાળા, ભેરૈયા તા.માંડવી અને સરકારી માધ્યમિક શાળા, કુંભારીયા તા.રાપરના નવનિર્મિત ભવનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. કચ્છ જીલ્લાની ૦૩ શ્રેષ્ઠ શાળાઓનું સન્માન કરવામાં આવશે. મહિલા અને બાળ અધિકાર વિભાગ દ્વારા બેટી બચાવો, બેટી ભણાવો અંતર્ગત માર્ચ ૨૦૨૦ની બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦ અને ૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ની ટોપર્સ દીકરીઓનું પણ સન્માન કરવામાં આવશે.
કચ્છ જિલ્લાની ભરતી પ્રક્રિયાના માર્ગદર્શક તરીકે રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ પી.એ.જલુ ખાસ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ કમિશનરની શાળાઓની કચેરી, ગાંધીનગર નાયબ નિયામકશ્રી (મહેકમ) મહેશભાઇ મહેતાની દેખરેખ હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિના નેતૃત્વમાં ટીમ-શિક્ષણ (કચ્છ) કરી રહી છે.