યુજીસીના ધારાધોરણો મુજબ યુનિવર્સિટી અને તેની સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓને તમામ શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય ઓટોનોમી પૂરી પાડવામાં આવશે
હાલ દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં યુનિવર્સિટી કોમન એક્ટ બનાવાયો છે
હવે, ન્યુ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ હેઠળ તમામ યુનિવર્સિટીઓમાં એક સરખા માળખા અને કાર્યપદ્ધતિના અમલ માટે ગુજરાતમાં એક સમાન કાયદો અનિવાર્ય છે. જે માટે રાજ્યની યુનિવર્સિટીઓ માટે કોમન પબ્લિક યુનિવર્સિટી એક્ટ હોવો અનિવાર્ય અને જરૂરી પણ છે. હાલ દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં યુનિવર્સિટી કોમન એક્ટ બનાવાયો છે. જેના પરિણામ સ્વરુપ ગુજરાત સરકારે પણ ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રમાં ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ રજૂ કરવાનું નક્કી કર્યું છે. જેથી સરકાર તમામ યુનિવર્સીટીમાં બોર્ડ ઓફ ગવર્નસની નિમણુંક કરશે એટલે સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી થશે જ નહિ અને કુલપતિ જ સર્વેસર્વા હશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારને બદલે મંગળવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જે અંગે માહિતી આપતાં સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને કેન્દ્ર સરકારની રેગ્યુલેટરી બોડીઝ જે પ્રમાણે નીતિઓ ઘડે છે, તે પ્રમાણે સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા ઘણા ઠરાવ અને નોટિફિકેશન્સ બનાવાય છે. જેનો અમલ રાજ્યની યુનિવર્સિટીઓમાં સમયાંતરે થાય તે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના મુખ્ય મુદ્દાઓનું રાજ્યની યુનિવર્સિટીમાં અમલીકરણ થાય તે મુજબ યુનિવર્સિટી ઉદ્દેશો, સત્તાઓ અને ફરજો માટે જોગવાઈ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જોડાણો, ઇનોવેશન, ઇન્ક્યુબેશન અને એન્ટરપ્રાઇઝ જેવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના મહત્વના મુદ્દાઓની કામગીરી કરવા માટે સત્તાધિશોની નિમણૂક માટેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.
યુનિવર્સિટીના સંચાલન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવા અંગેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે યુનિવર્સિટી ખાતે બોર્ડ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોગવાઈ નથી. તે જ યુનિવર્સિટીઓનો આ એક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે. રાજ્ય સરકારને કોઈપણ જોગવાઈઓના પાલન માટે જરૂરી હોય તેમ સમયાંતરે નિર્દેશો જારી કરવાની સત્તા પણ હશે.
બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરાશે
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનએ વાઈસ ચાન્સેલર તેમજ અન્ય ઓફિસર્સની નિમણૂક માટેના જે ધોરણો દર્શાવેલા છે, તે રાજ્યની તમામ યુનિવર્સિટી માટે પણ સમાન છે. આમ, યુનિવર્સિટીના તમામ અધિકારી અને સ્ટાફની નિમણૂક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ધોરણો પ્રમાણે કરવી જરૂરી બને છે.
યુનિવર્સિટીના સંચાલન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવા અંગેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે યુનિવર્સિટી ખાતે બોર્ડ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોગવાઈ નથી. તે જ યુનિવર્સિટીઓનો આ એક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે. રાજ્ય સરકારને કોઈપણ જોગવાઈઓના પાલન માટે જરૂરી હોય તેમ સમયાંતરે નિર્દેશો જારી કરવાની સત્તા પણ હશે.
સંશોધન ક્ષેત્રે વેગ મળશે: કુલપતિ ભીમાણી
કોમન યુનિવર્સીટી એક્ટને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, બોર્ડ ઓફ ગવર્નસ અને કોમન એક્ટ આવશે એટલે યુનિવર્સીટીઓની જે વ્યવસ્થા છે સુવિધા છે તેમજ સંશોધન ક્ષેત્રે ભવિષ્ય ઉજવ્વળ થશે અને પ્રક્રિયાને વેગ મળશે તેમજ ચૂંટણી પ્રકિયા દૂર થશે. રાજ્ય સરકાર અને જેતે યુનિવર્સીટીના કુલપતિ પોતાના સભ્યો નીમશે જેથી વહીવટી પ્રકિયામાં સુધારો થશે.
વિધાર્થી, અધ્યાપકો અને શિક્ષણને ઉપયોગી થવાનું નથી: ડો.નિદત બારોટ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કોલેજોનું જોડાણ રદ કરીને સ્ટેન અલોન કોલેજ કરવાની જોગવાઈથી કોલેજો પોતાની રીતે કોર્ષ ચલાવશે. બીજી બાજુ વિધાર્થી એક યુનિવર્સીટીમાંથી બીજી યુનિવર્સીટીમાં ટ્રાન્સફર થશે તે પણ નિયમોથી વિપરીત પ્રકિયા થશે. યુનિવર્સીટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિને બદલે સરકાર નિયુક્ત પ્રતિનિધિને કોઈ સતા રહેશે નહિ. હાલમાં જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.માં બીઓજી લાગુ છે. જો આવું બધી જ યુનિવર્સીરીમાં થાય જેથી કુલપતિ અને તેના નિયુક્ત સભ્યો ભેગા મળી ખોટું કરતા થઇ જશે અને કોમન એક્ટથી વિધાર્થી, અધ્યાપકો અને શિક્ષણને ઉપયોગી થવાનું નથી તેમ શિક્ષણવિદ ડો.નિદત બારોટે જણાવ્યું હતું.
કુલપતિની ટર્મ પાંચ વર્ષની થવાથી વહીવટમાં સ્થિરતા આવશે: ડો.પરેશ રબારી
નવી શિક્ષણ નીતિના અમલના ભાગરૂપે કોમન યુનિવર્સિટી એક્ટ ઐતિહાસિક નિર્ણય ગણાશે. બીઓજીની નિમણૂકથી યુનિવર્સિટીમાં શિક્ષણ સાથે જોડાયેલા લોકો, SC-ST-OBC અને મહિલાઓની ભાગીદારી વધશે તેમજ કુલપતિની ટર્મ પાંચ વર્ષની થવાથી વહીવટમાં સ્થિરતા આવશે જે આવકાર્ય છે. તેમ યુવા આગેવાન ડો. પરેશ રબારીએ ‘અબતક’ સાથેની વાતચિત્તમાં જણાવ્યું હતું.
વર્તમાન પરિસ્થિતિ મુજબ ખુબ જ આવકારદાયક નિર્ણય: ડો.ભરત રામાનુજ
રાજ્ય સરકાર દ્વારા કોમન એક્ટ સંદર્ભમાં કોમન અભ્યાસક્રમ, ભરતી અને પ્રવેશ સહિતની બાબતમાં આ નિર્ણય ખુબ જ આવકારદાયક છે. વહીવટી સંદર્ભમાં જે મુશ્કેલી થઇ રહી છે તે પ્રકિયા જો સરળ બને તો કોમન એક્ટ અને બીઓજી ખુબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. ઓટોનોમસ કોલેજોનો મતલબ એ જ છે કે જે ચાલે છે તેના કરતા પણ વધુ સારી પ્રકિયા થાય. આમ છતાં પૂર્વ અભ્યાસ બાદ જ કહી શકાય કે કોમન એક્ટ કેટલું સફળ થશે તેમ શિક્ષણવિદ ડો.ભરત રામાનુજે જણાવ્યુ હતું.