યુવા આઈએએસ અધિકારીએ બનાવેલી મોબાઈલ એપ્લીકેશનથી અકસ્માત સ્થળ અને નજીકનાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સ અંગેની માહિતી મળશે; એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પણ અકસ્માત સ્થળ અંગેની સચોટ માહિતી મળશે
સતત વિકસતા જતા ભારતમાં દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થતો રહે છે. જેથી, વાહન અકસ્માતોની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો થવા પામ્યો છે. ગત વર્ષે દેશભરમાં થયેલા વાહન અકસ્માતોમાં ૧.૪૬ લાખ કરતા વધારે નાગરીકોના મૃત્યુ થયા હતા વાહન અકસ્માતના મોટાભાગના કેસોમાં તુરંત સારવાર ન મળવાના કારણે લોકોના મૃત્યુન સંખ્યા વધતી હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. જેથી, અકસ્માતમાં ઘવાયેલા લોકોને તુરંત સારવાર આપી શકાય તે માટે કેન્દ્ર સરકાર એક એપ્લીકેશનની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.
૨૦૧૫ની બેંચના નવ યુવાન એક આઈએએસ અધિકારીએ ગુગલ સાથેના સહયોગથી એક સોફટવેર બનાવ્યો છે. આ સોફટવેરની એપ્લીકેશન મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી શકશે આ એપ્લીકેશનથી મદદથી મેડીકલ સહાય માટે ફોન કરનારા લોકોનું ચોકકસ સ્થાન અને નજીકનાં સ્થાને ઉપલબ્ધ એમ્બ્યુલન્સની માહિતી તુરંત મળી શકશે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવનિયુકત અધિકારીઓ સાથેની વાતચીત દરમ્યાન આ યુવા અધિકારીનો વિચાર ગમ્યો હતો. અને આરોગ્ય મંત્રાલયને તેના પર કામ કરવા જણાવ્યું હતુ.
આ સોફટવેરની મદદથી અકસ્માત વખતે ઈમરજન્સી મેડીકલ સહાય માટે ફોન કરનારનું ચોકકસ સ્થાન મળવાની સાથે ઘવાયેલા કે ફોન કરનારને સંદેશ પણ મોકલી શકાશે કે નજીકમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સ કેટલા સમયમાં બનાવ સ્થળે પહોચશે જેથી ઘવાયેલાઓને સારવાર આપવામાં કેટલો સમય લાગશે તેનો અંદાજ આવી શકાશે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતુકે એક વખત આ એપ્લીકેશન મોબાઈલમાં ડાઉનલોડ કર્યા બાદ એમ્બ્યુલન્સની માહિતી અને સુલભતામાં વધારો થવાની સંભાવનાઓ છે. ઘણાકિસ્સાઓમાં અકસ્માતમાં ઘવાયેલા લોકો આ એપ્લીકેશન દ્વારા ફોન કરીને મદદ માંગી શકે છે.
અકસ્માત સ્થળ પરથી કોલ સેન્ટર પર કોલ થયા બાદ આ સોફટવેર અકસ્માતનાં સ્થળ તેમજ નજીકનાં એમ્બ્યુલન્સ સ્થાનના ગુગલ મેપની મદદથી ટ્રેક કરશે. જે બાદ, કોલ સેન્ટર તુરંત આ ફોન કરનારને એસએમએસ કરીને કેટલીવારમાં એમ્બ્યુલન્સ આવશે તેની વિગત આપશે સાથે નજીકની એમ્બ્યુલન્સના સંપર્ક નંબરો પણ આપશે. સાથે સાથે કોલ સેન્ટર દ્વારા એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોચવા માટે એલર્ટ અપાશે. એમ્બ્યુલન્સના ડ્રાઈવરને આજ એપ્લીકેશન અથવા કોલ સેન્ટરની મદદથી અકસ્માત સ્થળ અંગેની સચોટ માહિતી આપશે.
આ એપ્લીકેશનના કારણે એમ્બ્યુલન્સને અકસ્માત સ્થાને બોલાવવામાં થતા સમયના વેડફાટને બચાવી માનવ જીવનને બચાવી શકાશે. હાલમાં દેશનાં ૨૧ રાજયોમાં ઈમરજન્સી મેડીકલ સહાય માટે ૧૦૮ની સેવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ ૧૦૮ એમ્બ્યુલન્સોને અકસ્માત સ્થાન શોધવામાં ઘણીવાર જે મુશ્કેલીઓ પડે છે. જેથી જરૂરીયાતના સમયે મેડીકલ સહાય ન પહોચી શકતા અકસ્માતમાં ઘવાયેલા અનેક લોકોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે. મોટાભાગના રોડ અકસ્માતો વખતે ઘવાયેલાઓ તથા તેમને બચાવનારાઓને ઈમરજન્સી મેડીકલ સહાયના નંબર નજીકનાં સ્થાનની એમ્બ્યુલન્સ વગેરેની માહિતી ન હોય જરૂરીયાતના સમયમાં મેડીકલ સારવાર ન મળવાના કારણે ઘવાયેલાઓનાં મૃત્યુ થતા હોય છે.