કૃષિ સેવા સહિતના તાયફાઓ બંધ કરીને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ
માળીયામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને મામલતદારને આવેદન પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં નિર્ણયો લઈને તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની માગ ઉઠાવવામાં આવી હતી.
માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશભાઈ ફૂલતરિયા સહિતના કોંગી આગેવાનોએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. વારંવાર ખેડૂતોના આપઘાતના બનાવો બનતા હોવા છતાં સરકારની ઊંઘ ઉઘડતી નથી. છેલ્લા અઢી દાયકાથી રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે.
વધુમાં જણાવાયુ હતું કે ખેડૂતોની આ હાલત પાછળ સરકારની નીતિ અને વલણ કારણભૂત છે. સરકાર કૃષિ સેવા સહિતના તાયફાઓ બંધ કરીને સમગ્ર રાજ્યના ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માંગ કરી છે.