ભાદર નદીમાં પ્રદુષણ મુદ્દે લલીત વસોયા સહિત સાત ધારાસભ્યોએ રાજયપાલ સમક્ષ કરી રજુઆત
ધોરાજી વિસ્તારમાં ભાદર નદીમાં કેમીકલયુકત પાણીના પ્રદુષણ મામલે ધોરાજી તાલુકાના ભુખી ગામનાં ભાઈઓ-બહેનો, ગ્રામજનો વિશાળ સંખ્યામાં ધોરાજી પ્રાંત કચેરી ખાતે રજુઆત કરવા આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, દલિત યુવા વિકાસ સંગઠનના ભરતભાઈ મુછડીયા, સરપંચ ભુપતભાઈ ચાવડા સહિત ધોરાજી કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકર્તાઓ જોડાયા હતા.
દલિત યુવા વિકાસ સંગઠન દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવેલ કે, ભાદર નદીમાં ડાઈગનું કેમીકલવાળું પાણી ભળતું હોવાથી ગામમાં અનેક લોકોને કેન્સર, ચામડીના રોગો, કીડનીના રોગો થયા છે. સત્વરે પીવાના શુઘ્ધ પાણીની વ્યવસ્થા અને નદીમાં દુષિત પાણી આવતું બંધ નહીં થાય તો સામુહિક જળ સમાધીની ચીમકી ઉચ્ચારાઈ હતી.
ધોરાજી ભાદર નદીમાં કેમીકલયુકત પ્રદુષિત પાણી મામલે ધોરાજીનાં ધારાસભ્ય લલીતભાઈ વસોયા ગાંધીનગર ખાતે અન્ય ધારાસભ્યો અલ્પેશભાઈ ઠાકોર, ચંદનજી ઠાકોર, લલીત કગથરા, કિરીટ પટેલ, ભરતજી ઠાકોર, જે.વી.કાકડીયા સહિતના આગેવાનો રાજયના મુખ્યમંત્રી અને રાજયપાલ ઓ.પી.કોહલીને ‚બ‚ મળી પત્ર પાઠવ્યો હતો.
જેમાં ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે લોકમાતા ભાદર નદીમાં જેતપુર વિસ્તારનું ડાઈંગ પ્રિન્ટીંગ યુનિટો દ્વારા કેમીકલયુકત પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે. ધોરાજી તાલુકાના નાગરીકોને પીવા માટે દુષિત પાણી મળે છે અને પ્રદુષિત પાણીથી અસંખ્ય માછલાઓ મૃતપ્રાય થયેલ હતા.