શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર માત્ર ઓનલાઇન માધ્યમથી જ અરજી સ્વીકારવામાં આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાર ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ગુણ ચકાસણીની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગુણ ચકાસણી કરાવવા માંગતા વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર 14 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ વખતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જેમાં એક વિષયમાં અને બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગુણ ચકાસણી કરાવે તેવી શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું પરિણામ 21 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર કરાયા બાદ હવે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ પછીના કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેમાં પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા ઉમેદવારો બોર્ડ સમક્ષ ગુણ ચકાસણીની અરજી કરી શકે તે માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહના જે ઉમેદવારો ગુણ ચકાસણી કરાવવા માંગતા હોય તેઓ બોર્ડની વેબસાઈટ પર જઈને 14 જૂન સુધી રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. ગુણ ચકાસણી માટે અરજીની નિયત ફી ઓનલાઈન ભરવાની રહેશે. આમ, ગુણ ચકાસણી અંગેની અરજી કરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ચકાસણી કરી તેની વિગતો જાહેર કરાશે.