હત્યારાઓને ઝડપથી પકડી લેવાની ઉગ્ર બનતી માંગણી

ભાણવડના બરડા ડુંગરની ટોંચે આવેલા આશાપુરા માતાજીના પુજારી હસમુખભાઈ પંડિતની ચોકકસ કારણ સબબ જાણભેદુ હત્યારાઓએ કરપીણ હત્યા કરી પલાયન થઈ ગયા હોય ત્યારે અમાનુષી આ બનાવ અંગે સમસ્ત બ્રહ્મ સમાજમાં ભારે કરૂણાની લાગણી પ્રસરી છે સાથે બનાવને એક સપ્તાહ જેવો સમય વિત્યો હોવા છતાં હત્યારાઓ ઝડપાયા ન હોય જે અંગે પણ બ્રહ્મ સમાજ દ્વારા ખેદ વ્યકત કરવામાં આવ્યો છે.

ભુદેવો દ્વારા દ્વારકા કલેકટર તથા એસ.પી.ને આવેદનપત્ર મારફતે રજુઆત કરવા માટે ખંભાળીયા હેડ કવાર્ટર ખાતે મળ્યા હતા. જેમાં પોરબંદરના સમસ્ત બ્રહ્મ સમાજ તથા પોરબંદરની યુવા પરશુરામ સેના ભાણવડ અને રાવલ ગામના વિ.ના ભુદેવો તથા ખંભાળીયામાં સમસ્ત બ્રહ્મ સમાજ બ્રહ્મ વિકાસ પરીષદ, યુવા ગ્રુપના કાર્યકરો જબરી સંખ્યામાં એકત્રિત થયા હતા અને જીલ્લા કલેકટર તથા બાદમાં એસપીને આવેદનપત્ર આપી નિર્મિત આ બનાવમાં હત્યારાઓએ હત્યા બાદ જે સાવચેતીથી ગુમ થયા છે તે અઘરો કોયડો છે પરંતુ આ જાણભેદુઓ ઝડપાય તો આવા નિર્દયને કાયદાની કિતાબમાં આલેખવામાં આવેલી કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષની હત્યા થાય નહીં. ગુજરાત રાજયમાં હત્યા કરી નાશી છુટવાનો સીલસીલો પરંપરા બની ગયો છે ત્યારે છુપાયેલા ગુન્હેગારને દષ્ટાંતરૂપ સજા આપવા માંગ બુલંદ બનાવવામાં આવી છે. એસ.પી.રોહન આનંદે તમામ વ્યથા સાંભળી વળતા પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે, સસ્પેન્સ આ બનાવ માટે તેમના માર્ગદર્શન દ્વારા બે ટીમો બનાવવામાં આવી છે. જેમાં એક ટીમ નેતૃત્વ ખુદે એસપી પ્રશાંત થુમ્બે કરી રહ્યા છે.

આ આવેદનપત્ર સુપ્રત કરવા સમયે પોરબંદરના કમલેશભાઈ થાનકી, પ્રદિપભાઈ થાનકી, શુભમ જોષી, અશોક માઢા, જીતેષભાઈ થાનકી, દિપકભાઈ જોષી, બાબુભાઈ ગોર (ભાણવડ), આર.એન.રાજયગુરુ ખંભાળીયામાં બ્રહ્સમાજના પ્રમુખ દિનેશભાઈ જોષી, બ્રહ્મ વિકાસ પરીષદના પ્રમુખ સંદિપભાઈ, જીલ્લા મહિલા પ્રમુખ ધારાશાસ્ત્રી કિર્તીદાબેન ઉપાધ્યાય, કુંદનબેન આરંભડિયા, સમાજના મોભી દિલીપભાઈ વ્યાસ, હિતેન્દ્રભાઈ આચાર્ય, કનુભાઈ રાજયગુરુ, નિકુંજભાઈ વ્યાસ, તપોવનભાઈ, દિપકભાઈ જોષી, જયેન્દ્ર પંડિત, જય કુવા, નિતીનભાઈ ઠાકર, રમેશભાઈ થાનકી, પિયુષ રાજયગુરુ, મુકેશ મોકરીયા વિગેરે સદભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્ર આપવા સમયે ધારદાર એવી રજુઆત પણ કરવામાં આવી હતી કે કોઈપણ બનાવ વધુ ગંભીર કે સંવેદનશીલ હોય ત્યારે વધુ લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવતુ હોય છે પરંતુ લગભગ તમામ આવેદનપત્રો ફાઈલોના થપ્પામાં દબાઈ રહે છે. રાજકીય સતાધીશો કે અધિકારીઓ દ્વારા આવા આવેદનપત્રનો અભ્યાસ કરવામાં આવતો નથી કે નથી તેમનું મુલ્યાંકન કરવામાં આવતું. થોકબંધ આવેદનોમાં કાનુનને કડક બનાવવા રજુઆતો થઈ હશે. આ રજુઆતો થપ્પામાં દબાયેલી હોય છે અને ખુન, મર્ડર, લુંટ, હુમલા, શરાબ, જુગારના બનાવો અવિરત વધતા રહે છે. ક્રાઈમરેટ પાછળ જવાનું નામ લેતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.