ધારાસભ્યો અને આગેવાનોની બપોરે બેઠક: 12મીએ રણનીતિ ઘડવા મળશે વધુ એક બેઠક
ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસીને મળતી 10 ટકા અનામત નાબૂદ કરી નાખવામાં આવી છે.જેની સામે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. આજે કોંગ્રેસ નદ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં આવેદન પત્ર આપવામાં આવશે. બપોરે ગાંધીનગર ખાતે ઓબીસી સમાજના ધારાસભ્યો અને આગેવાનોની બેઠક મળશે અને આગામી 12મીએ એક તાકીદની બેઠકનું આયોજન કરાયું છે.
ભાજપ સરકારે નામદાર અદાલતમાં ઓ.બી.સી. અનામત બેઠકો માટે પક્ષ ન રજુ કરતા બક્ષીપંચ સમાજના પંચાયતોમાં હક્ક છીનવાશે. ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ અનામત નાબૂદ કરવાની નીતિ ખુલ્લી પડી. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરઓને પત્ર લખેલ છે તે મુજબ ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ-1993 થી અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો (OBC) માટે 10 ટકા બેઠકો અનામત રહેશે નહીં. OBC અનામત રહેલી મહિલા અનામત સહિતની બેઠકોને સામાન્ય બેઠકમાં જાહેર કરીને ચૂંટણી જાહેરનામા સંબંધિત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. છ માસ જેટલો સમય વીતી જવા છતાં ગુજરાત સરકારે OBCને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રીઝર્વેશન મળે તે માટે કમિશન રચીને વસ્તીના આધારે માપદંડો નક્કી કરવા કોઈ કાર્યવાહી કરેલ નથી. રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશને છ માસ જેટલો સમય થયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં અંતે ગુજરાતમાં આશરે 3,252 ગ્રામ પંચાયતોમાં 10 ટકા OBC અનામતનો લાભ મળશે નહીં અને OBC સમાજને તેનો ભોગ બનાવવામાં આવશે.
રાજ્યમાં કુલ વસ્તીના 52 ટકા જેટલી OBC સમાજની વસ્તી છે. રાજ્ય સરકારના નિર્ણયના કારણે OBC સમાજનું પ્રતિનિધિત્વ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી દૂર થશે. રાજ્ય સરકારના આવા તઘલખી નિર્ણયનો ભોગ OBC સમાજ બનશે. આવા નિર્ણયો કરીને રાજ્ય સરકાર OBC સમાજને હાંસિયામાં ધકેલી દેવા માંગે છે કે કેમ ? અનામત નાબૂદ કરવાની ભાજપાની નીતિ સામે આક્રમકતાથી લડત અપાશે.