બહુમાળી ભવનમાં બિનઅનામત વર્ગના દાખલા કાઢવાની કામગીરી બંધ: મામલતદાર કચેરીનો સ્ટાફ પ્રધાનમંત્રી સન્માન યોજના અને સવર્ણ દાખલાની કામગીરીમાં ઉંધા માથે
જુની કલેકટર કચેરી ખાતે આવેલી મામલતદાર કચેરીઓમાં સવર્ણ દાખલા માટે અરજદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અગાઉ બહુમાળી ભવનમાં બિનઅનામત વર્ગના દાખલા કાઢવાની કામગીરી ચાલતી હતી તે બંધ કરી દેવામાં આવતા અરજદારોનો પ્રવાહ મામલતદાર કચેરી તરફ વળતો જોવા મળ્યો છે. હાલમાં મામલતદાર કચેરીઓનો સ્ટાફ પ્રધાનમંત્રી સન્માન યોજના અને સવર્ણ દાખલાની કામગીરીમાં ઉંધા માથે થઇ જવા પામ્યો છે.
રાજ્ય સરકારે બિનઅનામત વર્ગ માટે જે યોજના ઘડી હતી તેનો લાભ લેવા માટે લાભાર્થીઓએ બહુમાળી ભવન ખાતેથી બિનઅનામત વર્ગનો દાખલો કઢાવવો પડતો હતો. પરંતુ કેન્દ્ર સરકારે ઇડબલ્યુએસ લાગુ કરતા રાજ્ય સરકારની બિનઅનામત વર્ગ માટેની યોજનાનો તેમાં સમાવેશ થઇ જાય છે. રાજ્ય સરકારની બિનઅનામત વર્ગ માટેની યોજનામાં લાભાર્થીઓની આવકમર્યાદા રૂ.૬ લાખ નક્કી કરવામાં આવી હતી. જ્યારે કેન્દ્ર સરકારની ઇડબલ્યુએસ યોજનામાં લાભાર્થીઓની આવકમર્યાદા રૂ.૮ લાખ નક્કી કરવામાં આવી છે. જે સંદર્ભે બહુમાળી ભવન ખાતે બિનઅનામત વર્ગના દાખલા કાઢવાની જે કામગીરી ચાલતી હતી તેને બંધ કરી દેવામાં આવી છે.
ઇડબલ્યુએસના દાખલા કાઢવાની કામગીરી હાલ જુની કલેકટર કચેરીના સંકુલ ખાતે આવેલી મામલતદાર કચેરીઓમાં ચાલી રહી છે. બહુમાળી ભવને દાખલા કાઢવાની કામગીરી બંધ કરતા અરજદારો મામલતદાર કચેરી તરફ વળી રહ્યા છે. જેના કારણે મામલતદાર કચેરીઓમાં સવર્ણ દાખલા કઢાવવા માટે અરજદારોની ભારે ભીડ જોવા મળી છે. વધુમાં પ્રધાનમંત્રી સન્માનનીધિ યોજના માટે વહીવટી તંત્રને તા.૧૭ સુધીમાં અરજીની કામગીરી પૂર્ણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી મામલતદાર કચેરીનો સ્ટાફ આ બન્ને કામમાં હાલ ઉંધામાથે થઇ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.