સરકારે મોબાઇલ ફોન પરની કસ્ટમ્સ ડ્યૂટી વધાર્યાના ગણતરીના દિવસોમાં જ એપલે આઇફોનના વિવિધ મોડલોના ભાવમાં ₹૩,૨૧૦ સુધીનો વધારો કર્યો છે. તેણે એપલ વોચનો ભાવ પણ ₹૨,૫૧૦ સુધી વધાર્યો છે, તેમ એપલની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતીમાં જણાવાયું હતું.
એપલના ૨૫૬ જીબીના આઇફોન એક્સનો મેક્સિમમ રિટેલ પ્રાઇસ (MRP) ₹૩,૨૧૦ વધીને ₹૧,૦૮,૯૩૦ થયો છે. આઇફોન ૬ (૩૨ જીબી)નો ભાવ ૩.૬ ટકા (₹૧,૧૨૦) વધ્યો છે અને તે હવે ₹૩૧,૯૦૦માં પડશે.
એમઆરપીમાં થયેલો વધારો આઇફોનનાં બધાં મોડલ પર લાગુ પડશે. તેમાં આઇફોન એસઇનો સમાવેશ થતો નથી, કારણ કે તેનું ભારતમાં વિસ્ટ્રોન દ્વારા એસેમ્બલિંગ કરવામાં આવે છે. આઇફોન એસઇનો ભાવ ₹૨૬,૦૦૦ (૩૨ જીબી) છે અને ₹૩૫,૦૦૦ (૧૨૮ જીબી) છે.
એપલની વોચ પણ હવે અંદાજે ૭.૯ ટકા જેટલી મોંઘી થશે, સ્માર્ટવોચિસ અને વેરેબલ્સ પરની કસ્ટમ્સ ડ્યૂટી બજેટમાં વધારવામાં આવી છે. નવા દર આજથી અમલી બનશે. ’એપલ વોચ સિરીઝ ૩’ ₹૩૨,૩૮૦ના ભાવે ઉપલબ્ધ થશે, જ્યારે ૪૨ એમએમના વર્ઝનનો ભાવ ₹૩૪,૪૧૦ હશે.
છેલ્લા બે મહિનામાં ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારાનો આ બીજો રાઉન્ડ છે. ડિસેમ્બરમાં સરકારે આયાતી સ્માર્ટફોન પરની જકાત અગાઉના દસ ટકાથી વધારી ૧૫ ટકા કરી હતી જેથી સ્થાનિક સ્તરે ઉત્પાદનને વેગ આપી શકાય. આ વધારાના પગલે અમેરિકા સ્થિત એપલે તેના આઇફોનના સરેરાશ ભાવમાં ૨.૫ ટકાનો વધારો કર્યો હતો. નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે મોબાઇલ ફોન પરની કસ્ટમ્સ ડ્યૂટી ૧૫ ટકાથી વધારી ૨૦ ટકા કરવામાં આવશે અને કેટલાક પાર્ટ્સ અને એસેસરીઝ પરની જકાત પણ ૧૫ ટકા કરવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે મૂલ્યવૃદ્ધિને વેગ મળે અને આ સેક્ટરમાં મેક-ઈન-ઇન્ડિયાને વેગ મળે. સ્માર્ટવોચિસ અને વેરેબલ્સ પરની કસ્ટમ્સ ડ્યૂટી બમણી કરી ૨૦ ટકા કરી નાખવામાં આવી છે.