નવી મેકબૂક એરમાં ટચ આઈડી, યૂએસબી-સી, 12 ક્લાકનો બેટરી બેકઅપ અને ખાસ રેટિના ડિસ્પ્લે અપાયા છે, જે સાડા 4 લાખ રંગોને સપોર્ટ કરશે.
દિગ્ગજ કંપની એપલે ન્યૂયોર્કની બ્રુકલિન મ્યૂઝિક એકેડમીમાં વર્ષની અંતિમ હાર્ડવેર ઈવેન્ટનું આયોજન કર્યું. તેમાં આઈપેડ પ્રો, મેકબૂક એર, મેક મિની અને એપલ પેન્સિલ સહિત કુલ 5 પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી. આઈપેડ પ્રોને બે સ્ક્રીન સાઈઝ – 11 ઈંચ અને 12.9 ઈંચમાં ઉતારી છે. બીજી બાજુ મેકબૂક એરની કિંમત 1,199 ડોલર (અંદાજે 88,200 રૂપિયા) અને મેક મિનીની કિંમત 799 ડોલર (અંદાજે 58,700 રૂપિયા) રાખી છે.
આઈપેડમાં પહેલી વખત કંપનીએ હોમ બટન નથી આપ્યું, જેથી સ્ક્રીન મોટી મળી શકે. નવી મેકબૂક એરમાં ટચ આઈડી, યૂએસબી-સી, 12 ક્લાકનો બેટરી બેકઅપ અને ખાસ રેટિના ડિસ્પ્લે અપાયા છે, જે સાડા 4 લાખ રંગોને સપોર્ટ કરશે.
આઈપેડ પ્રો
કંપનીએ આ વર્ષે તેના લેટેસ્ટ પ્રોસેસર એ12 બાયોનિક ચીપથી સજ્જ નવું આઈપેડ પ્રો રજૂ કર્યું છે. તે અત્યાર સુધીનું સૌથી પાતળુ આઈપેડ છે, જેની જાડાઈ માત્ર 5.9 મીમી છે. સાથે જ તેમાં પહેલી વખત ફેસ આઈડી ફીચર અને ડ્યુઅલ સીમ સપોર્ટ પણ છે. તેના બંને મોડેલ અલગ અલગ સ્ટોરેજના હિસાબે ચાર વેરિઅન્ટમાં ઉતારાયા છે. 11 ઈંચવાળા મોડેલની પ્રારંભિક કિંમત 799 ડોલર અને 12.9 ઈંચવાળા મોડેલનો ભાવ 999 ડોલર (અંદાજે 73,500 રૂપિયા) રખાયા છે.
મેકબૂક એર
પહેલી વખત કંપનીએ મેકબૂકમાં રેટિના ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે. તેમાં ઈન્ટેલ-કોર આઈ 5ની 8મી જનરેશનનું પ્રોસેસર અપાયું છે. તેમાં 16 જીબી સુધીની રેમ અને 1.5 ટીબી સુધીની સ્ટોરેજ છે. સાથે સલામતી માટે ટચ આઈડી ફિચર અપાયું છે, જેની મદદથી ફિંગર પ્રિન્ટ મારફત ડિવાઈસ અનલોક કરી શકાશે.
મેક મિની
તેમાં કંપનીએ 6 કોરનું ઈન્ટેલ પ્રોસેસર આપ્યું છે અને કંપનીનો દાવો છે કે તે જૂના મોડેલની સરખામણીમાં 60 ટકા વધુ સારા ગ્રાફિક્સ અને 5 ગણું વધુ સારું પરફોર્મન્સ આપશે. તેમાં 64 જીબી સુધીની રેમ સપોર્ટ અને 2 ટીબીનું સ્ટોરેજ અપાયું છે. તેની કિંમત 799 ડોલર (અંદાજે 58,700 રૂપિયા) રખાઈ છે.
એપલ પેન્સિલ
ઈવેન્ટમાં કંપની નવી જનરેશનની એપલે પેન્સિલ પણ લોન્ચ કરી. તેનું ચાર્જિંગ વાયરલેસ થાય છે. આઈપેડ યુઝર્સે તે અલગથી ખરીદવી પડશે, જેની કિંમત 129 ડોલર (અંદાજે 9,500 રૂપિયા) રખાઈ છે. આ પેન્સિલ માત્ર નવા આઈપેડ પ્રોને જ સપોર્ટ કરશે.