રાજકોટમાં ગુજકોક હેઠળ પોલીસે એક સાથે ૧૧ શખ્સોને જેલ હવાલે કરતા લતાવાસીઓ દ્વારા પોલીસનું કરાયું સન્માન
શહેરમાં સંગઠીત થઇ અવાર નવાર ગુના આચરી આજીવિકા કરતા દુધ સાગર રોડ પરના કેટલાક લુખ્ખા અને નામચીન શખ્સો સામે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટમાં સૌ પ્રથમ વખત ગુજકોક હેઠળ ગુનો નોંધી એક સાથે ૧૧ જેટલા શખ્સોને લાંબા સમય માટે જેલ હવાલે કરતા લતાવાસીઓ દ્વારા પોલીસની કડક કાર્યવાહીને બિરદાવી પોલીસનું સન્માન કર્યુ છે.
દુધ સાગર રોડ પર ખૂન, લૂંટ, મારામારી અને ધાક ધમકી દેવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ભીખુ રાઉમા અને તેના ૧૦ જેટલા સાગરીતો સામે ગુજકોક હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.
રાજકોટમાં સૌ પ્રથમ વખત ગુજકોક હેઠળ ગુનો નોંધાતા લુખ્ખાઓમાં ફફડાટ મચી ગયો છે. જ્યારે સભ્ય સમાજ માટે ગુજકોટ આર્શિવાદ સમાન બન્યો છે. દુધ સાગર રોડ પર માથાનો દુ:ખાવો બનેલા ઇમ્તિયાઝ ઉર્ફે લાલાની સાગરિતો સામે કાયદાકીય કડક કાર્યવાહીથી લતાવાસીઓમાં આનંદની લાગણી સાથે પોલીસની કામગીરી બિરદાવી પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતુ.
દુધ સાગર રોડ પરના લતાવાસીઓએ પૂર્વ વિભાગના એસીપી એચ.એલ.રાઠોડ અને પી.આઇ. જી.એમ.હડીયાનું થોરાળા પોલીસ મથક ખાતે સન્માન કરવામાં આવ્યું છે.