સનાતની સાધુ-સંતો શાસ્ત્રોની સાથે શસ્ત્ર પણ લઇ શકે, વિદેશી સંસ્થાઓ સનાતન ધર્મને ઉખેડી ફેંકવા માંગે છે: પત્રકાર પરિષદમાં સનાતની સાધુ સમાજ આકરા પાણીએ
તાજેતરમાં સાળંગપુર ખાતે હનુમાનજી મહારાજ અંગેના ભીતચિત્રોના વિવાદના વમળો હજુ વિખેરાયા નથી ત્યાં અન્ય એક વિવાદાસ્પદ ઉચ્ચરણ અંગે સનાતન ધર્મના સાધુઓ વિફર્યા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ ધર્મના દેવી, દેવતાઓ, સંતો-મહંતો વગેરે માટે અભદ્ર ટીપ્પણી કર્યાનો વિડીયો વાયરલ થતાં જ એક નવો વિવાદ ઉભો થયો આ બાબતે હિન્દુ યુવા વાહિની તેમજ શહેરના જગન્નાથજી મંદિરના મહંત દ્વારા વિરોધ કરી આ ઘટનાન સખ્ત શબ્દોમાં વખોડી છે.
આ ઘટના અંગે સનાતન ધર્મના સંતો, મહંતો દ્વારા જગન્નાથ મંદિર રાજકોટ ખાતે યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં માહીતી આપતા જગન્નાથ મંદિરના મહત મનમોહનદાસજીએ જણાવ્યું હતું કે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો-સ્વામીઓ દ્વારા માતા સિતાજી વિષે અભદ્ર ટીપ્પણી કરવા ઉપરાંત હનુમાનજી તેમજ સનાતન ધર્મના નાથ સંપ્રદાયના ગેબીનાથજી વગેરે વિરુઘ્ધ કરવામાં આવેલ. અભદ્ર ટીપ્પણી ના વિરોધમાં માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહી પરંતુ ભારતભરના સનાતની જુદા જુદા અખાડાઓના સાધુઓ દ્વારા આ ઘટનામાં સહભાગીઓ વિરૂઘ્ધ કડક હાથે કામ લેવા સરકારને રજુઆત કરવામાં આવી છે.
જયારે અવધુત આશ્રમના મહંત તપસ્વી યોગીરાજ મનોહરનાથજીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સ્વામીનારાયણના જે જે સંતોએ હિન્દુ ધર્મના દેવી, દેવતાઓ, સંતો, મહંતો, વિષે અભદ્ર ટીપ્પણી કરી છે. તે તમામે માફી માગતો વિડીયો વાયરલ કરવા તેમજ સરકારે આ બાબતે યોગ્ય પગલા લેવા જોઇએ. અને જો સરકાર દ્વારા આ બાબતે યોગ્ય પગલા નહી લેવાય તો સનાતન ધર્મના સંતો, શાસ્ત્રોની સાથે શસ્ત્રો પણ ધારણ કરી શકે છે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, સ્વામીનારાયણ સંતોના આવા અભદ્ર નિર્વાદનો પાછળ વિદેશી સંસ્થાઓ કામ કરી રહી છે. તેઓ સનાતન સંસ્થાઓને ઉખેડી ફેંકવા માંગે છે. તેમજ સનાતન ને તોડો અને બધાને આપણામાં જોડો તેવી વિચાર સરણી ધરાવતી સંસ્થાઓ પણ સનાતન ધર્મ વિરુઘ્ધ થતા ઉચ્ચારણો ને પોષતી હોય તેવું જણાઇ રહ્યું છે.જયારે નાથ સંપ્રદાયના રામ ચરણદાસબાપુએ જણાવ્યું હતું કે દેશના સાધુ સમાજે કયારેય કોઇ સંપ્રદાય કે તેના સાધુ, સંતો, મહંતો વિરુઘ્ધ અપમાનજનક ટીપ્પણી કરી નથી.ભવનાથ નાથ સંપ્રદાયના યોગ વરિષ્ઠનાથજી એ જણાવ્યું હતું કે, સજજન માણસ સ્ટેજ પરથી નીચે ઉતરે પરંતુ શબ્દથી નીચે ન ઉતરે, આ પ્રસંગે અયોઘ્યાના દશરથદાસજી, બનારસના ઉમેશદાસજી, કચ્છના રમાયનાથજી, સહીતના સનાતન ધર્મના અનેક સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.