સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટીમાં ખાડાનું સામ્રાજ્ય, ચૂંટણી ફંડના દૂષણના કારણે ચોમાસામાં રોડ તૂટવાની 100 ટકા ગેરેન્ટી
ચોમાસાની સીઝનમાં વરસાદના બે-ચાર છાંટા પડે તો પણ સ્માર્ટ સિટી રાજકોટમાં રાજમાર્ગો પર ફૂટ-ફૂટના ખાડા પડી જાય છે. દાયકાઓથી વણલખી આ પરંપરા આ વર્ષે પણ યથાવત રહેવા પામી છે. હજી ચોમાસુ બરાબર જામ્યું પણ નથી ત્યાં રાજકોટના રોડ-રસ્તાઓની હાલત ગામડાના મારગથી પણ બદતર થઇ જવા પામી છે. ચૂંટણી ફંડના દૂષણના કારણે ચોમાસાની સીઝનમાં રાજકોટ ખાડાનગર બની જાય છે. દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું હોવા છતાં શાસકો માત્ર મોટી-મોટી ડંફાસો હાંકી રહ્યા છે. સ્માર્ટ સિટીની હાલત ગામડા કરતા પણ વધુ ખરાબ થઇ જવા પામી છે.
રાજકોટમાં હજુ મેઘરાજાએ જમાવટ કરી નથી. જૂનથી અત્યાર સુધીમાં રોજ થોડોથોડો કરતા છ-સાત ઇંચ જેટલો વરસાદ માંડ પડ્યો છે ત્યાં રસ્તાનું ધોવાણ થઇ ગયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડામર સામાન્ય વરસાદમાં પણ ધોવાઇ ગયો છે અને રોડ પર એક-એક ફૂટના વિશાળ ખાડા પડી ગયા છે. 150 રીંગ રોડ પર 11 કિલોમીટરના વિસ્તારમાં ખાડાનું સૌથી વધુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હજી સામાન્ય વરસાદમાં જો આવી સ્થિતિ હોય તો આગામી દિવસોમાં જ્યારે ભારે વરસાદ ત્રાટકશે ત્યારે રાજકોટની સ્થિતી શું થશે તે કહેવું કે કડવું મુશ્કેલ બની ગયું છે. દર વર્ષે શાસકો એવી ડંફાસો હાંકે છે કે રાજકોટમાં મજબૂત અને ટકાઉ રોડ બને તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે પરંતુ આવું થતું નથી. ચોમાસાની સીઝનમાં જે રીતે સામાન્ય વરસાદમાં શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ જાય છે તે રીતે હવે ડામરનું પણ ધોવાણ થવા માંડ્યુ છે. વર્ષે દહાડે રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટર પાસેથી શાસકો દ્વારા ચૂંટણી ફંડ વસૂલવામાં આવતું હોવાના કારણે કોન્ટ્રાક્ટરો કામગીરીમાં વેઠ ઉતારે છે. પરિણામે શહેરીજનોના ભાગે સુવિધા કરતા દુવિધા વધુ આવે છે.
હાલ શહેરના એકપણ રાજમાર્ગો એવો નહીં હોય કે જ્યાં મહાકાય ખાડા નહીં હોય. વાહન ચાલકોની પેટ અને કમર એક કરી નાંખે તેવા વિશાળ ખાડાઓ પડ્યા છે. આ ખાડાને ભૂરવા માટે સમયસર મોરમ પાથરવાની તસ્દી પણ કોર્પોરેશન તંત્ર દ્વારા લેવામાં આવતી નથી. માત્ર કાગળ પર પ્રિ-મોનસૂન સહિતની કામગીરી થઇ હોય તેવું દર્શાવી દેવામાં આવે છે. પરંતુ જમીની હકિકત કંઇક અલગ જ હોય છે. હાલ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ખાડાના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. છતા શાસકોને માત્ર સરકારી કાર્યક્રમમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. ખાડાઓ અને વરસાદી પાણીના ભરાવાની સમસ્યા વચ્ચે આજથી ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ શરૂ થશે. જેમાં સરકારના ગુણગાન ગાવામાં આવશે. પરંતુ લોકોને કેવી હાલાકી પડે છે તેની સામે આંખ મીચામણા કરવામાં આવશે. દર વર્ષે શાસકો અને વહીવટી તંત્ર દ્વારા એવું ચોક્કસ કહેવામાં આવે છે કે આ વખતે ગેરેન્ટીવાળા રોડ બનાવવામાં આવ્યા છે અને તે તૂટશે તો કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરી બનાવવામાં આવશે. પરંતુ ક્યારેય ચોમાસાની સીઝન દરમિયાન એ વાત જાહેર કરવામાં આવતી નથી કે ગેરેન્ટીવાળા કેટલા રોડ તૂટ્યા તે ક્યારેય જાહેર કરવામાં આવતું નથી.