સુશ્રૃપ્ત થઈ રહેલા માર્કેટિંગ યાર્ડો હવે બમણા વેગથી ધમધમશે
નવી કેન્દ્રીય કેબિનેટમાં કૃષિ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરાયું : ખેડૂતોને મજબૂત બનાવવાવો સુવર્ણ વ્યૂહ
વડાપ્રધાનના નેતૃત્વમાં નવી કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. નવા મંત્રીમંડળની બુધવારે રચના થયા પછી ગુરુવારે કેબિનેટની પહેલી બેઠક મળી હતી, જેમાં કૃષિ અને હેલ્થ સેક્ટર સંબંધિત નિર્ણયો લેવાયા હતા. દેશમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આઠ મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને ખુશ કરવા કેન્દ્ર સરકાર એપીએમસી મારફત રૂ. 1 લાખ કરોડ ખેડૂતો સુધી પહોંચાડવાનું એલાન કર્યું છે.
નવે કેબિનેટની રચના થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે પાંચ વાગ્યે બોલાવેલી કેબિનેટ બેઠક લગભગ એક કલાક ચાલી હતી. આ બેઠક પૂરી થયા પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર એપીએમસીનું સશક્તિકરણ ઈચ્છે છે. સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે હેઠળ એપીએમસી મારફત રૂ. 1 લાખ કરોડ ખેડૂતો સુધી પહોંચાડાશે. બીજીબાજુ નવા કૃષિ કાયદાના પગલે દેશમાં એપીએમસીનું અસ્તિત્વ ભૂંસાઈ જશે તેવા આંદોલનકારી ખેડૂતો અને વિપક્ષના આક્ષેપોને કેન્દ્ર સરકારે ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે દેશમાં કૃષિ મંડીઓ ખતમ નહીં થાય, પરંતુ તેને વધુ મજબૂત કરાશે. એપીએમસી હવે 1 લાખ કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ કરી શકશે. આ નિર્ણય મારફત કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, દેશમાં એપીએમસી બંધ થઈ જશે તેવો તેમનો ભય ખોટો છે. કૃષિ મંત્રી તોમરે સ્પષ્ટપણે કહ્યું કે સરકાર કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તેઓ કાયદાના દરેક પાસા પર વાત કરી શકે છે, પરંતુ તેને પાછા ખેંચવાનો સવાલ જ પેદા થતો નથી.
તોમરે કહ્યું કે દેશમાં મોટાપાયે નારિયેલની ખેતી થાય છે. નારિયેલનું ઉત્પાદન વધે અને ખેડૂતોને સુવિધા પૂરી પાડી શકાય તેના માટે 1981માં નારિયેલ બોર્ડ એક્ટ રજૂ કરાયો હતો. હવે તેમાં સુધારો કરાશે. બોર્ડના અધ્યક્ષ બિનશાસકીય વ્યક્તિ હશે. બોર્ડના અધ્યક્ષ કૃષિ ક્ષેત્રની પૃષ્ઠભૂમિના હશે અને તેઓ વાસ્તવિક સ્થિતિને સારી રીતે સમજી શકશે. આ સિવાય એક્ઝિક્યુટિવ પાવર માટે સીઈઓ બનાવાશે. આ ઉપરાંત બોર્ડમાં બે પ્રકારના સભ્ય હશે.
બજેટમાં કહેવાયું હતું કે, મંડીઓ બંધ નહીં થાય, પરંતુ તેને વધુ મજબૂત કરાશે. મંડીઓને વધુ સંશાધન મળે તે માટે પ્રયાસ કરાશે. કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને આત્મનિર્ભર ભારત હેઠળ 1 લાખ કરોડ રૂપિયા અપાયા છે. આ ફંડનો ઉપયોગ એપીએમસી કરી શકશે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ એક કરતાં વધુ પ્રોજેક્ટ કરશે તો દરેક પ્રોજેક્ટ પર અલગ અલગ બે કરોડ રૂપિયા સુધી વ્યાજ પર છૂટ અને ગેરેન્ટી મળશે. જોકે, આ પ્રોજેક્ટ અલગ અલગ સ્થળ પર હોવા જોઈએ અને તેની મહત્તમ મર્યાદા 25 હશે.
યુરિયા ખાતર હવે ઘર બેઠા બની શકશે
પશ્ચિમ બંગાળના સંશોધન વિદ્વાનોના ગ્રુપે નેનો-ઉત્પ્રેરકનો ઉપયોગ કરીને એક જ સ્ટેપમાં ઓરડાના તાપમાને યુરિયા એટલે કે રાસાયણીક ખાતર બનાવવાની એક પદ્ધતિ શોધી કાઢી છે. ઉદ્યોગોમાં યુરિયા ઉત્પન્ન કરવાની પરંપરાગત રીત બે સ્ટેપની છે. પરંતુ રામક્રિષ્ના મિશન વિદ્યામંદિરના ઇન્ડસ્ટ્રીયલ અને એપ્લાયડ કેમેસ્ટ્રીના હેડ ડો. ઉત્તમકુમાર ઘોરાઈની ટીમે એવો દાવો કર્યો છે કે તેઓએ નેનો ઉત્પ્રેરકનો ઉપયોગ કરી ગ્રીન યુરિયા બનાવ્યું છે.
આ પ્રોસેસ માત્ર એક સ્ટેપની જ છે. જેમાં રૂમના તાપમાનમાં જ ઇલેક્ટ્રો ઉત્પ્રેરક મેથડથી નાઇટ્રોજન ગેસ અને કાર્બન ડાયોકસાઈડ ગેસનો ઉપયોગ કરવાનો હોય છે. આ પ્રાયોગિક પદ્ધતિની સૈદ્ધાંતિક રૂપે મંજૂરી એસઆરએમ યુનિવર્સિટીના સંશોધનકારોની ટીમે મંજૂરી આપી છે.