આજે વાલીઓને સૌથી ચિંતા પોતાના બાળકનાં સંર્વાગી વિકાસની છે. શાળાએ જતું બાળક ખાલી શિક્ષણથી આ વિકાસ કરી શકે નહીં, તેથી તેને ઇત્તરપ્રવૃત્તિમાં જોડવો જરૂરી બને છે. સ્કૂલ-ક્લાસીઝના જ્ઞાનની સાથે તેને ઇત્તર જ્ઞાન પણ આપવું જરૂરી છે. રસમય શિક્ષણ જ આજના યુગની માંગ છે પણ શાળા કોર્ષ પૂરો કરાવવાના વાર્ષિક આયોજન આના માટે બહું જ ઓછો સમય ફાળવે છે. સહ-અભ્યાસિક પ્રવૃત્તિનું શિક્ષણમાં બહુ જ મહત્વ હોવાથી દરેક બાળક તેનાંથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી શિક્ષકની ગણાય છે. આજની શિક્ષણ પધ્ધતિમાં રસમય શિક્ષણનો અભાવ જોવા મળે છે. બાળકોની એકાગ્રતા આવી પધ્ધતિને કારણે જ વધે છે.
સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે ઇત્તર પ્રવૃત્તિનાં જ્ઞાનથી જ બાળકોનો સંર્વાગી વિકાસ થાય: રસ-રૂચી-વલણો આધારીત વર્ગખંડનું શિક્ષણ રસમય અને ચિરંજીવી બને
પ્રવૃત્તિ દ્વારા જ્ઞાનની પધ્ધતિ આજના યુગમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે: આ શિક્ષણ દ્વારા બાળકોમાં રહેલી ક્ષમતાને પ્રોત્સાહન મળે છે: રમતાં-રમતાં બાળક ખૂબ જ ઝડપથી શીખે છે
શાળાએ જ્ઞાનમંદિર છે, તેથી સર્વપ્રકારે બાળકોને જ્ઞાન આપવું શાળાની પ્રથમ ફરજ બને છે પણ આજે માત્ર પુસ્તકિયા જ્ઞાનથી પોપટની જેમ માત્ર ગોખણપટ્ટી જ બાળકને ભાગે આવે છે. રસ-રૂચિ-વલણો આધારીત વર્ગખંડ શિક્ષણનો અભાવ જોવા મળે છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે એક્ટીવીટી બેઝ લર્નીંગ દ્વારા જ બાળકોનો સંર્વાગી વિકાસ થઇ શકે છે. પ્રવૃત્તિ દ્વારા જ્ઞાનની પધ્ધતિ આજના યુગની શ્રેષ્ઠ પધ્ધતિ ગણી શકાય. શિક્ષણની સાથે આવી પ્રવૃત્તિ જ બાળકોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવામાં મદદ કરે છે. રમતાં-રમતાં જ બાળક ઝડપથી શીખે છે, એ ભુલવું ન જોઇએ. કોમ્પ્યૂટર, દ્રશ્ય શ્રાવ્યના સાધનો ખૂબ જ ઉપયોગી નીવડતા હોવાથી તેનો ઉપયોગ કરવો.
આજનો નાનો બાળક ઘરનાં વાતાવરણ ઘણું શીખીને શાળાએ જતો હોય ત્યારે પ્રથમ દિવસથી જ તેને રસમય શિક્ષણ મળશે તોજ તેને ભણવાનો શોખ જાગશે. પ્રારંભે પ્રવૃત્તિમય શિક્ષણ ખૂબ જ અસરકારક ભૂમિકા બાળકનાં જીવનમાં ભજવતી હોવાથી શિક્ષકે પ્રારંભથી જ તેની સંભાળ રાખવી જરૂરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની જ વાત કરી છે. બાલવાટીકા તેનો જ ભાગ છે. બાળકને આવવું ગમે, બેસવું ગમે અને રમવાની સાથે ભણવાની ઇચ્છા થાય તેવું વાતાવરણ શાળા અને વર્ગખંડનું નિર્માણ થવું જોઇએ.
ઘરેથી બાળક મોટાભાગની વસ્તુઓમાં પોતાનું કામ જાતે કરવાની સાથે શિસ્ત, સૂચનાનું પાલન કરવું જેવી ઘણી બાબત શીખીને જ આવતું હોવાથી શાળાએ માત્ર તેની વય-કક્ષા મુજબ તેને સારી દીશા તરફ વાળવાનો હોય છે. શિક્ષકે બાળકનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને તેને ગમતી પ્રવૃત્તિ આપીને તેને શિક્ષણમાં જોડવાનો હોય છે. શ્રવણ માત્રથી બાળક સમજ શક્તિ કેળવતો હોવાથી પ્રારંભે તેને સમજી શકે તેવી ભાષાનો ઉપયોગ કરવો જરૂરી છે.
શિક્ષકની સજ્જતા હોય તો બાળકને પ્રથમ માસથી જ સંપૂર્ણ જાણીને તેને પ્રેમ-હૂંફ અને લાગણીના માધ્યમ વડે સુધાર લાવી શકે છે. પ્રવૃત્તિમાં વ્યક્તિગત અને સામુહિક બંને રીતે વર્ગખંડમાં શિક્ષક કાર્ય કરી શકે છે. વર્ગખંડ સિવાય બહાર પર્યાવરણમાં જઇને પણ બાળકને ઘણું શીખવી શકો છો. શિક્ષક જ તેનો સાચો ઘડવૈયો છે, કારણ કે બાળકોનો સામાજીક અને માનસિક વિકાસ તેની સામે થાય છે. બાળકના ઘર અને શાળાના કે આસપાસની દુનિયામાંથી બાળક ઘણું શીખે છે.
પ્રિ-સ્કૂલ, પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિકના પ્રથમ 10 વર્ષ બાળકના શિક્ષણ જીવનનાં અગત્યના ગણી શકાય. પ્રથમ તો બાળક તમારી વાત સમજશે તો જ તે વિચારશે અને વિચારશે તો જ તે વધુ સમજવાનો પ્રયત્ન કરશે. બોલતો કરવા માટે કે લખતો કરવા માટે આ જરૂરી છે. કોઇપણ વસ્તું શીખવવાની અલગ-અલગ ટેકનીક હોય છે, બધી જ વસ્તુંઓ તમે એક જ પધ્ધતિથી ક્યારેય શીખવી ન શકો. બાળકને સમજાવવા, ચિત્ર-વાર્તા, સંગીત-નાટ્ય જેવી વિવિધ પધ્ધતિ તમારે કરવી જ પડે છે. આની સાથે જો પ્રવૃત્તિમય શિક્ષણનો સમન્વય થાય તો ખૂબ જ સારા પરિણામ મળે છે.
સામુહિક પ્રવૃત્તિમાંથી જ બાળકોમાં ઘણા ગુણોનું સિંચન તમે કરી શકો છો, જેમ કે શિસ્ત, વ્યવસ્થા મુજબ કાર્ય કરવું. ખેલદીલી, ભાઇચારો અને એકાગ્રતા જેવા ગુણો ખીલવી શકો છો. બાળક પ્રવૃત્તિમાં રસ પડે તો જ તે જોડાશે, તેથી તેને રસ પડે તેવું આયોજન શિક્ષકે કરવું જરૂરી છે. વાર્ષિક કે અર્ધવાર્ષિક આયાોજનમાં આવી પ્રવૃત્તિને વિશેષ મહત્વ આપશો તો અન્ય શૈક્ષણિક કાર્ય આપોઆપ સારૂ થઇ જશે. આજે બાળક શાળા ઉપરાંત ટ્યુશન કલાસિઝ કે અન્ય કોચિંગમાં જતું હોય છે પણ આ સિવાય પણ ઘણાં જ્ઞાન મેળવવા તેને પ્રોત્સાહનની જરૂર પડતી હોય છે, જેમાં શાળા કે શિક્ષકો મહત્વનો રોલ ભજવી શકે છે.
આવી પ્રવૃત્તિથી જ બાળકની મૌખિક અભિવ્યક્તિ તમે ખીલવી શકો છો. દરેક બાળકોમાં કંઇકને કંઇક છૂપી કલા પડી જ હોય છે. જે શિક્ષકને ખબર જ હોય છે કે વર્ગખંડમાં તે કેટલો એક્ટિવ છે. તેના પરથહી પડી જતી હોય છે. જો બાળકને રસ-રૂચિવાળી પ્રવૃત્તિ મળશે તો જ તેની ખીલવણી થશે, આને માટે શિક્ષકે જ કાર્ય કરવું પડશે. કારણ કે તેજ તેનો ઘડવૈયો છે. ઘર-શાળા અને સમાજમાંથી બાળક શીખતો હોય છે. શારીરીક, સામાજીક અને માનસિક વિકાસમાં શાળા એક મહત્વનો રોલ ભજવે છે. પુસ્તકના પાઠ સમજાવતી વખતે તેને અનુરૂપ શૈક્ષણિક રમકડાં, સંદર્ભ સાહિત્યની વાત સાથે તમે પ્રવૃત્તિનો સમાવેશ કરશો તો જ તેને લાંબો સમય યાદ અને તેની સમજ રહેશે. આજે બાળકને શેમાં રસ છે, તે કોઇ જોતું નથી, તો મા-બાપને પણ પોતાના બાળકને બધું જ શીખવી દેવાની ઉતાવળ છે ત્યારે શાળાએ જ તેની આગેવાની લઇને બાળકનો સર્વાંગી વિકાસ કરવો કે તેને જોડવા માટે આયોજન કરવું જરૂરી છે.
બાળકનાં જીવનમાં ઇત્તર પ્રવૃત્તિ સાથે સહ-અભ્યાસિક પ્રવૃત્તિનું વિશેષ મહત્વ
કોઇપણ બાળક માત્ર પુસ્તિકિયા જ્ઞાનથી ક્યારેય તેનો સંર્વાગી વિકાસ ન કરી શકે, તે કરવા ઇત્તર પ્રવૃત્તિ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિમાં તેને જોડવો જરૂરી છે. બાળકના જીવનમાં આવી પ્રવૃત્તિનું વિશેષ મહત્વ હોય છે. સુસુપ્ત કલાને ઉજાગર કરવાની જવાબદારી અને આયોજનની જવાબદારી શાળાની અને શિક્ષકોની છે. મા-બાપનું પ્રોત્સાહન અને વર્ગખંડમાં મળતું પ્રોત્સાહન ખૂબ જ સારા પરિણામ આપે છે. આવનારા સમયનો ઘણી ટેકનિકનો વિકાસ થતાં આવા શિક્ષણની જ બોલબાલા હશે તો શા માટે આપણે અત્યારથી બાળકોને મુક્ત વાતાવરણનું રમતાં-રમતાં શિખવાનું શિક્ષણનું વાતાવરણ પુરૂ પાડતા નથી? આ પ્રશ્ર્ન ચિંતા અને ચિંતનનો છે, જેને માટે સૌએ વિચારવાની જરૂર છે.