વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાંચ ઝોનમાં મળેલી 60મી વાર્ષિક સાધારણ સભામાં સંઘના ચેરમેનની જાહેરાત

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘનું ટર્ન ઓવર વધીને રૂ.776 કરોડ; ચોખ્ખો નફો રૂ.411 લાખ

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 60મી વાર્ષિક સાધારણસભાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતુ કે 2019-20ના વર્ષ દરમિયાન રૂ.776.32 કરોડના ટર્નઓવર સાથે રૂ.411.99 લાખનો ચોખ્ખો નફો કર્યો છે. સંઘે દૂધ ઉત્પાદકોને અમુલદાણમાં રૂ.300 લાખની સબસીડી તથા જનરલ મિક્ષચરમાં રૂ.36 લાખની સબસીડી ચૂકવાઈ છે. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ઉત્પાદન વધારવા પ્લાન્ટ નાખવા ઈચ્છે છે અને રાજકોટમાં મિલ્ક પાર્લર શરૂ કરવા ઈચ્છે છે.

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ની 60મી વાર્ષિક સાધારણ સભા તા.23ના વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ પાંચ ઝોનમાં ગુજરાત સરકારની કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ, વાંકાનેર, જસદણ, ગોંડલ અને ધોરાજી મુકામે જે તે વિસ્તારના તાલુકાની દૂધ મંડળીઓનાં પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

કેબિનેટ કક્ષાના મંત્રી જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, પુર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા અને દેવેન્દ્રકુમાર ર. દેસાઈ, નિયામક મંડળના સભ્યો સહકારી તેમજ રાજકીય આગેવાનો અને ઉપસ્થિત પદાધિકારીઓનું સ્વાગત સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ કરી સંઘની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી રાજકોટ ખાતે શરૂ કરી હતી. બાકીના 4 સ્થળોએ સભ્ય મંડળીઓનાં પ્રતિનિધિઓએ વિડિયો કોન્ફરન્સ મારફત સંઘનો અહેવાલ અને હિસાબો સાંભળ્યા હતા.

DSC 0015

સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ સૌ પ્રથમ ઉપસ્થિત તમામ આગેવાનો, નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત મંડળીઓનાં પ્રતિનિધિઓને રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ તરીકેની જવાબદારી મને સોંપવા બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.

અતિ વરસાદ, ઘાસચારાની સમસ્યા, કપાસીયા ખોળનો અતિ ભાવ વધારો, પશુઓમાં રોગ વગેરે કારણોસર દુધ ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. જેને કારણે 2018-19ની સરખામણીએ 2019-20માં 11% જેટલુ દુધ સંપાદન ઘટયું છે. આમ છતા જે તે વખતના અધ્યક્ષ તથા નિયામક મંડળે દૂધ ઉત્પાદકોને આર્થિક મદદરૂપ થવા માટે 2018-19ની સરખામણીએ 2019-20માં કિલો ફેટે રૂ.21નો વધારો ચૂકવવાનો સાહસપૂર્ણ નિર્ણય લીધો હતો તેમ ધામેલીયાએ જણાવ્યું હતુ.

તેમણે જણાવ્યું કે આજની સાધારણ સભામાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને હું ખાસ યાદ કરૂ છું. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા હંમેશા કહેતા હતા કે સહકારી સંસ્થા નફા માટે કામગીરી કરતી નથી. પરંતુ આપણા સભાસદોને વધુમાં વધુ સેવા આપી તેનો આર્થિક, સામાજીક વિકાસ માટે કામગીરી કરે તે ઉદેશ મુજબ રાજકોટ જિલ્લાની તમામ સહકારી સંસ્થા કાર્યરત છે.

સભાસદ અકસ્માત વિમા યોજનામાં દૂધ ઉત્પાદકોનો રૂ.5 લાખનો વિમો લેવામાં આવતો હતો તે ગત વર્ષથી રૂ.10 લાખનો કર્યો છે. જેનું 100% પ્રિમીયમ દૂધ સંઘ તરફથી ભરવામાં આવે છે.

પશુ ચિકિત્સકો દ્વારા દૂધ ઉત્પાદકોના પશુઓ સ્વસ્થ રહે તે માટે પશુ સારવાર કેમ્પ, ફર્ટીલીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ પશુ સર્વધન માટે કૃત્રિમ બીજદાનની યોજના તેમજ દૂધ ઉત્પાદકોમાં જાગૃતિ માટે સંઘે શરૂ કરેલ વિવિધ શૈક્ષણીક કાર્યક્રમો અને આપણા દુધાળા પશુઓને સમતોલ પશુ આહાર મળી રહે અને વધુમાં વધુ અપનાવે તે માટે દાણ અને મીનરલ મીક્ષ્ચરમાં સબસીડી જેવા નિર્ણયો કરી તેનો અમલ કરતા સંઘે વર્ષ દરમિયાન અંદાજે રૂ.12 થી 15 કરોડની સીધી કે આડકતરી સહાય ચૂકવી છે.

ગુજરાતનાં અન્ય દૂધ સંઘોની સરખામણક્ષ આપણો વિકાસ ઓછો છે. આપણા ખેડુતો, દુધ ઉત્પાદકો પશુપાલનનાં વ્યવસાયથી વિમુકત થતા જાય છે. જેના અનેક કારણો છે.પરંતુ ખેતી અને પશુપાલનને ગ્રામ્ય અર્થતંત્રના બે મહત્વના અંગો છે. આપણે ખેતી સાથે પશુપાલનને પણ મહત્વ આપવું પડશે તેમ તેમણે જણાવ્યું હતુ.

આજની આ સાધારણ સભામાં સંઘના મેનેજીંગ ડિરેકટર વિનોદભાઈ વ્યાસ, જનરલ મેનેજર અને અધિકારીઓ ઉપસ્થિત રહી સાધારણ સભા સફળ થાય અને વિડિયો કોન્ફરન્સ દ્વારા અન્ય ચાર સ્થળોએ સાધારણ સભાના પ્રતિનિધિઓની ભાગીદારી રહે તે માટે સંઘના અધ્યક્ષે અભિનંદન આપ્યા હતા.

આ સભામાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા, રાજકોટ ડિસ્ટીકટ બેંકનાં એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરીયા, ભાજપ અગ્રણી ભાનુભાઈ મેતા, ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, નીતીનભાઈ ઢાંકેચા સહિતના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દૂધમાં ભેળસેળ જરાય ચલાવી નહીં લેવાય: કેબિનેટમંત્રી રાદડીયા

DSC 0046

મીડીયા સાથેની વાતચીત દરમિયાન કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતુ કે દૂધમાં ભેળસેળ જરાપણ ચલાવી નહીં લેવાય. તેમણે જણાવ્યું કે સહકારી ક્ષેત્રનું માળખુ દેશનું અવ્વલ નંબરનું માળખું બન્યું છે. આ ભરોસાને કાયમી માટે જાળવી રાખવા આગામી દિવસોમાં ટીમ વર્ક કરીને સહકારી ક્ષેત્રમાં લોકોએ જ અમારા પર વિશ્ર્વાસ મૂકયો તેને સાર્થક કરવા સાથે મળી કામગીરી કરીશું રાજકોટ ડેરીની શરૂઆત પહેલા 50 કરોડના ટર્ન ઓવરથી શરૂ થઈ હતી. તે આજે 776 કરોડના ટર્ન ઓવર પર પહોચ્યું છે. જેનો ચોખ્ખો નફો રૂ.411.99 લાખનો છે. સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ દૂધ ઉત્પાદકોને ભાવ આપતી ડેરી રાજકોટ ડેરી બની છે. ખેડૂત પશુપાલકોને મેકસીમમ ભાવ ચૂકવવા માટે રાજકોટ ડેરીએ પ્રયત્નો કર્યા છે. અને આવનારા દિવસોમાં પણ પશુપાલકો ખેડુતો કે દૂધ ઉત્પાદકોને મૂશ્કેલી ન પડે તે મુજબનું નેતૃત્વ રાજકોટ ડેરી કરશે. સાધારણ સભામાં જણાવ્યું હતુ કે રાજકોટ જિલ્લામાં જે મંડળીઓ રાજકોટ ડેરી સાથે જોડાયેલી છે. અને જે દૂધ ઉત્પાદકો સભાસદો પોતાના ઘરે દૂધ ઉત્પાદકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે લોકો કયાંય ભેળસેળ કરતા હોય તેના મારફતે જે દૂધ રાજકોટ મંડળીમાં આવતી હોય તેની ચેનલમાં કયાંય ભેળસેળ થતુ હશે તો આવી એક પણ ઘટનાને ચલાવીલેવામાં નહી આવે.

જો હવે કોઈ ભેળસેળની ઘટના બનશે તો કડકમા કડક કાર્યવાહી કરીશું અને તેવી મંડળીને તાત્કાલીક બંધ કરીશું કોઈની ભલામણ નહી ચલાવવા તેમ તેમણે અંતમાં જણાવ્યું હતુ.

દૂધમાં ભેળસેળ અટકાવવા કૃતનિશ્ર્ચયી: ચેરમેન

દૂધમાં અમૂક સ્થાપિત હિતો દ્વારા ભેળસેળ કરવાની વૃત્તિ ધરાવે છે. તેવા તત્વોને ઓળખી તેમનું દુધ મંડળી કક્ષાએ ન આવે તેવા કડક પગલા દૂધ મંડળીના પ્રમુખો કમિટી સભ્યો તેમજ કર્મચારીઓએ લેવાના રહેશે. અમારૂ નિયામક મંડળ દૂધમાં ભેળસેળ ન આવે તે માટે કડકમાં કડક પગલા લેવા માટે કૃતનિશ્ર્ચયી છે. આ માટે અમે મંડળીઓ ઉપર પણ કડક પગલા લેશું.

ઉત્પાદન વધારવા તૈયારી: રાજકોટમાં મિલ્ક પાર્લર શરૂ કરાશે

રાજકોટ દૂધ સંઘમા ગુજરાત તેમજ ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આપણા ઉત્પાદનો વધારવા માટેના પ્લાન્ટ નાખવાનું વિચારી રહી છે. આ માટે પનીર, ફોજન, પનીર, રબડી, ખાધ પદાર્થોના અન્ય ઉત્પાદનો કરવાનું આયોજન છે. આ ઉપરાંત બટર મેકીંગ મશીન વસાવી ઘીની ગુણવતા સુધારવાનું પણ આયોજન છે. ભવિષ્યમાં આપણા ઉત્પાદનોનું વેચાણ વધારવા રાજકોટ શહેર ગોપાલ મિલ્ક પાર્લર શરૂ કરવાનું આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.