58 લાખના ખર્ચે રિલાયન્સની વધુ એક સમાજ સેવા
જામનગરમાં કોરોના મહામારીના બિહામણા સ્વરુપને પગલે ટપોટપ માનવીઓ મોતને ભેટી રહ્યાં છે. ત્યારે સ્મશાનમાં અગ્નિદાહ માટેની પરેશાનીના નિવારણના પ્રયાસરુપે શહેરના ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિર સ્મશાનગૃહ ખાતે અગ્નિદાહ માટે ગેસ ફરનેસની સુવિધા સમાજને અર્પણ કરવામાં આવી છે.ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક આવેલા મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે વિદ્યુત સ્મશાન રિલાયન્સના આર્થિક સહયોગથી કાર્યરત છે. આ સાથે જ હવે અહીં ગેસ આધારિત અગ્નિદાહ માટેની સવલત પણ કાર્યરત કરી દેવામાં આવી છે. મોક્ષ મંદિર ખાતે રિલાયન્સના સહયોગથી ચાલતા સ્મશાન ગૃહમાં અંદાજિત રૂા. 28 લાખના ખર્ચે નિર્મિત્ત ગેસ આધારિત અગ્નિ સંસ્કારની સવલત ડે.મેયર તપન પરમાર, સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, મનપાના શાસક જૂથના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી, શહેર ભાજપના પૂર્વઅધ્યક્ષ હસમુખભાઇ હિંડોચાના હસ્તે મોક્ષ મંદિર સમિતિ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજા, માનદ્મંત્રી ધીરેનભાઇ પાટલીયા, કોષાધ્યક્ષ ગિરીશ ગણાત્રા તથા ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઇ ખાંટ, પરેશભાઇ વાઘાણી તેમજ ફરનેશ કોન્ટ્રાકટર ધીરેનભાઇ બુચ અને સ્મશાનગૃહના કર્મચારીગણની ઉપસ્થિતિમાં શહેરને અર્પણ કરવામાં આવી હતીદેશભરની સાથે ગુજરાતમાં પણ હાલમાં કોરોના મહામારીના કારણે મૃત્યુઆંક વધ્યો છે અને સુરત, વડોદરા, રાજકોટ સીહતના મહાનગરોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં અવરોધ ઉભા થયા છે.
સ્મ્શાનગૃહમાં મોટી સંખ્યામાં અંત્યેષ્ટી માટે કતારો લાગી છે, અંતિમ સંસ્કાર પ્રક્રિયામાં કલાકોની પ્રતિક્ષા અનિવાર્ય બની રહી છે, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અગ્નિદાહ માટે સ્વજનો પરેશાન થઇ રહ્યાં છે, ત્યારે જામનગરના મોક્ષ મંદિર સ્મશાન ગૃહ દ્વારા આ વિશેષ સવલત ઉભી કરવામાં આવી છે. શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં વિદ્યુત ભઠ્ઠી તો વર્ષોથી કાર્યરત છે જ, પરંતુ વધારાની સુવિધારુપે અહીં ગેસ આધારિત એક વધુ ફરનેસ કાર્યરત થઇ છે. જેથી સમાજના સમય-શક્તિનો બચાવ તો થશે જ. સાથોસાથ પર્યાવરણ બચાવવા તરફી પણ આવકારદાયક પગલું બની રહેશે.