- વન નેશન, વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત
- અપાર આઈડીમાં વિદ્યાર્થીઓની તમામ શૈક્ષણિક વિગતો અપલોડ કરવામાં આવશે અને તે જીવનભર રહેશે:વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંશાધનોને એક્સેસ કરવામાં પણ મદદ મળશે
કેન્દ્ર સરકારની વન નેશન,વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિના અમલ સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિમ બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓના અપાર (ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયાના આદેશથી રાજ્યની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોના ધો.9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે. નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 અંતર્ગત વન નેશન-વન સ્ટુડન્ટ આઈડીની થીમ આધારિત વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓને ટ્રેક કરવા માટે અપાર આઈડી બનાવવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળે છે. આ અપાર આઈડીમાં વિદ્યાર્થીઓની તમામ શૈક્ષણિક વિગતો અપલોડ કરવામાં આવશે અને તે જીવનભર રહેશે. જેની મદદથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંશાધનોને એક્સેસ કરવામાં પણ મદદ મળશે. આ આઈડી એ ડિજિલોકર ઇકો સિસ્ટમ એક્સેસ કરવા માટેનું ગેટ વે હશે. જે વિદ્યાર્થીઓને પરિક્ષાના પરિણામો, સર્વગ્રાહી રિપોર્ટ કાર્ડ, શૈક્ષણિક પરિણામો ઉપરાંત વિદ્યાર્થીઓની અન્ય સિદ્ધિઓ જેવી કે ઓલમ્પિયાડ, રમતગમત, કૌશલ્ય પ્રશિક્ષણ તથા કોઇપણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની તમામ સિદ્ધિઓને ડિજિટલી સ્ટોર કરવાની મંજૂરી આપશે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેમના ઉચ્ચ શિક્ષણ અથવા રોજગાર હેતુ માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ કરી શકે છે.અપાર આઈડી દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રાનું સર્વગ્રાહી દેખરેખ, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તથા શાળા બહારના બાળકોનું ટ્રેકિંગ શક્ય બની શકશે. વિદ્યાર્થીઓના અપાર આઈડી માટે શાળાઓએ પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ યોજીને વાલીઓની સંમતિપત્ર મેળવવાનું રહેશે. ત્યારબાદ આ સંમતિપત્રને આધારે શાળા યુડાયસમાં વિદ્યાર્થીઓની સંમતિ ‘હા’ કે ‘ના’નો નિર્દેશ કરવાનો રહેશે. આ અંગે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર મોકલી શાળાઓને જાણ કરવા આદેશ કરાયો છે.
અપાર આઈડીથી વિધાર્થીઓને શું ફાયદો થશે?
જે વિદ્યાર્થીઓને તેઓના પરિણામો, સર્વાગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોડ્ર્સ, સ્કીલ ટ્રેનિંગ સહિત વિવિધ પ્રકારના રેકોર્ડને ડિજિટલી બનાવશે. વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપોયગ કરી શકે છે. ઉપરાંત ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તથા સ્કૂલ બહારના બાળકોનું ટ્રેકિંગ હવે શક્ય બનશે.