ભારત આઝાદ થયું ત્યારે સામાજીક અસમાનતા અને વિવિધ સાંપ્રદાયિક પરિસ્થિતિને લઈને દેશની એકતા અનેક પરિમાણોમાં વહેંચાયેલી અને વેર-વિખેર હતી. તેવી પરિસ્થિતિમાં સામાજીક સમરસતા અને વિવિધ સમાજ વચ્ચે આર્થિક-સામાજીક અસમાનતાની ખાય દૂર કરવાનો એક મોટો પડકાર સામે આવ્યો હતો. દાયકાઓ નહીં પરંતુ સદીઓથી ભારતની વિભિન્ન પરિબળોમાં વિખરાયેલી સામાજીક વ્યવસ્થાને એકરૂપ બનાવીને દેશને મજબૂત કરવાની આવશ્યકતાના પગલે ખુબજ વિચારીને સામાજીક સમરસતા લાવવા અને સમાજની આર્થિક અસમાનતા, સામાજીક પછાતપણુ દૂર કરવા માટે પછાત વર્ગને શિક્ષણ, રોજગારી અને પંચાયતી રાજમાં નિશ્ર્ચિત રીતે અનામત આપીને પછાત અને સામાન્ય વર્ગ વચ્ચે સમાનતાનો ભાવ ઉભો કરવા માટે અનામત પ્રથા દાખલ કરવામાં આવી હતી.
અનામત પ્રથાના અમલ વખતે આ પ્રથા કાયમી ધોરણે નહીં પણ હંગામી ધોરણે અમલમાં મુકીને 10 વર્ષ બાદ સમીક્ષા કરી પછાત વર્ગની પ્રગતિને ધ્યાને લઈ અનામત પ્રથા મર્યાદિત કે અટકાવી દેવાની હિમાયત કરવામાં આવી હતી. આઝાદી બાદના પ્રથમ દાયકામાં અનામત પ્રથાને લઈને આર્થિક, સામાજીક પછાત વર્ગને દેશના મુખ્ય પ્રવાહમાં ભળવા માટે ખુબજ પ્રોત્સાહન અને અનુકુળ વાતાવરણ ઉભુ થયું. આર્થિક-સામાજીક પછાત વર્ગમાં શિક્ષણ અને આર્થિક ઉન્નતિનું પ્રમાણ વધ્યું. સરકારી નોકરીઓમાં પછાત વર્ગના લોકોને તકો મળી અને મહદઅંશે સામાજીક ચિત્રમાં ખુબજ મોટો બદલાવ આવ્યો. 10 વર્ષની સમીક્ષા કરવાની અનામત પ્રથાની જોગવાઈની ખાસ ભલામણ વિસરાઈ ગઈ અને આ પ્રથા એકથી બીજા અને ત્રીજાથી આજે સાત દાયકા સુધી બરકરાર રહી.
આઝાદી મળી ત્યારે 1931ની વસ્તી ગણતરીને આધારે અનામતની જોગવાઈ અમલમાં મુકવામાં આવી હતી. આજે 135 કરોડની વસ્તી અને 7 દાયકાથી અનામત સહાયનો લાભ લઈ આર્થિક-સામાજીક પછાત ગણાતા વર્ગને સતત લાભો મળતા રહ્યાં. હવે અનામત પ્રથા ચાલુ રાખવી કે તેની જરૂર નથી તેનું તટસ્થ અવલોકન કરવાની કોઈ હિંમત કરતું નથી કે, રાજકીય લાભમાં નુકશાન થાય તે માટે આખ મીચામણા થાય છે. તે પ્રશ્ર્ન વચ્ચે હવે સુપ્રીમ કોર્ટ આ અંગે જ્યારે જ્યારે જરૂર પડે છે અનામતના પ્રશ્ર્નો ન્યાયની એરણે ચડે છે ત્યારે સરકારને અનામતના અમલની બંધારણના આદેશ મુજબ સમીક્ષા કરવાની ટકોર કરતી રહેે છે. 70 વર્ષ પહેલા દેશની સામાજીક પરિસ્થિતિ અલગ હતી. વર્ગભેદ અને સામાજીક અસામનતા, આર્થિક અસમાનતા દૂર કરવા માટે ત્યારે અનામત પ્રથા અનિવાર્ય હતી. અનામતનો અમલ શરૂ થયો ત્યારે આ પ્રથા અંગામી ધોરણે અપનાવવામાં આવી હતી. કાયમી પ્રથા ન હતી. દેશ બદલાઈ ચૂક્યો છે. વિશ્ર્વ આખુ બદલાઈ રહ્યું છે. દેશમાં ગરીબી નિરક્ષરતા અને આર્થિક પછાતપણા જેવી દુર્ગમ સ્થિતિ નાબૂદીના આરે છે. ત્યારે અનામત પ્રથા હવે જરૂરી છે કે કેમ તેનો પુન: વિચાર કરવો જરૂરી છે. બીજી તરફ સહાયથી સક્ષમ નથી બનાતું, લાઠીની જરૂર અપાઈજને જ પડે છે. અત્યારે દેશમાં શિક્ષણ, વ્યવસાય, ધંધા-રોજગારની લઈ સામાજિક સેવા અને રાજકારણના તમામ ક્ષેત્રમાં તમામને સરખી તક મળે છે ત્યારે અનામતનો આધાર ક્યારેક-ક્યારેક વ્યક્તિગત કાર્યક્ષમતાના નિખાર માટે અવરોધરૂપ પણ બને છે ત્યારે અનામત પ્રથાનો વિરોધ ન હોય પણ આ પ્રથા ક્યાંક-ક્યાંક અભિષાપનું રૂપ બનતી હોય તો બંધારણની હિમાયત મુજબ હવે એ સમય આવી ગયો છે કે સામાજીક સમરસતાને વધુ સુદ્રઢ બનાવવા રિઝર્વેશનના મુદ્દા પર વિચારણા થવી જોઈએ.