જેનો સદાય ઓટલો અને રોટલો મોટો છે એવા સતાધારના આપાગીગાની જગ્યા તથા આપાગીગાના ઓટલા દ્વારા ભવનાથ ક્ષેત્રમાં ગત ૧૫ તારીખથી અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે અને આ અન્નક્ષેત્ર ભવનાથ ક્ષેત્રના ચાલતા અન્ન ક્ષેત્ર કરતાં ત્રણ દિવસો વધુ ચાલે છે અને લાખોની સંખ્યામાં જીવરાજ બાપુના આશીર્વાદ સાથે નરેન્દ્ર બાપુની નિશ્રામાં અને સંપૂર્ણ દેખરેખ નીચે આ નક્ષત્રમાં આવતાં ભાવિકજનો વિવિધ પકવાનો સાથે ઘર કરતાં વિશેષ ભોજન પ્રસાદ લઈ પોતાની જઠરાગ્નિ ઠારે છે.
ભવનાથના શિવરાત્રી મેળામાં લગભગ ૨૦૯ જેટલા અન્ન ક્ષેત્ર મેળાની ધજા બંધાવાની સાથે નવના દિવસથી ચાલુ થાય છે પરંતુ સતાધારના આપાગીગાની જગ્યા અને આપાગીગાનો ઓટલો દ્વારા સાધુ, સંતોની મંજૂરી સાથે તેનું અન્ન ક્ષેત્ર મેળાના બે દિવસ પહેલા શરુ કરી દેવામાં આવે છે, કારણ કે મેળાની તૈયારી માટે હજારોની સંખ્યામાં મજૂરો, તથા સાધુ સંતો આ મેળામાં આવી પહોંચતા હોવાથી કોઈ ભૂખ્યું ન સુવે તેવી ચિંતા સાથે આપાગીગાનું અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવે છે અને મેળો પૂર્ણ થયા બાદ એક દિવસ વધુ અન્ન ક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે.
આ અંગે જીવરાજ બાપુ ના શિષ્ય એવા આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુના જણાવ્યા અનુસાર આજથી ચાર વર્ષ પહેલા જીવરાજબાપુએ એવી આજ્ઞા કરી હતી કે, એક વખત શિવરાત્રિના મેળાને જમાડો અને તેમના આશીર્વાદ સાથે આજથી ચાર વર્ષ પહેલા શિવરાત્રીના મેળામાં પ્રથમ વખત સતાધાર ધામ તરફથી અન્ય ક્ષેત્રોનો પ્રારંભ કરાયો હતો, બાદમાં પણ જીવરાજ બાપુના આશીર્વાદથી સતાધાર ધામ અને આપાગીગાના ઓટલા તરફથી છેલ્લા ચાર વર્ષથી આ અન્નક્ષેત્ર સતત સેવામાં રહ્યું છે.
આ વર્ષે સાત વીઘા જમીનમાં અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લાખો લોકોએ વિવિધ મિષ્ટાન, ફરસાણ, રોટલી, રોટલા, ભાતભાતના શાક, કઠોળ, સંભારા, દાળ-ભાત, સાંજે કઢી, ખીચડી, રોટલા, સાથેના ઘર કરતાં પણ વિશેષ એવા ભાવતા ભોજન પ્રસાદનો લાભ લીધો છે.
સતત રાત-દિવસ ચાલતા આ ક્ષેત્રમાં કોઈ ભાવિક ભૂખ્યો ન રહે તે માટે નરેન્દ્ર બાપુ તરફથી ખાસ કાળજી અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, અને સતાધારધામ તથા આપાગીગાના ઓટલાના હજારો સેવકો કેસરી ટીશર્ટ ના ડ્રેસ કોડ સાથે અન્ન ક્ષેત્ર ની સેવા માટે રાત-દિવસ કામે લગાડવામાં આવ્યા છે, નિસ્વાર્થભાવે સેવા આપતા આ સેવકો ભાવિકોને ભાવથી જમાડે છે,અને નરેન્દ્ર બાપુ તરફથી અન્ન નક્ષત્રમાં ભોજન પ્રસાદ લેતા રમતા રામ, સાધુ-સંતોને ભેટ પ્રસાદ પણ આપવામાં આવે છે.
એક પ્રશ્નના જવાબમાં અન્ય ક્ષેત્ર અંગે નરેન્દ્ર બાપુએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આ તો બધી આપાગીગાની દેન છે, લાખો લોકો માટે થતી ભોજનની વ્યવસ્થા એ જીવરાજ બાપુની કૃપા દ્રષ્ટિ છે, અમે તો માત્ર નિમિત્ત છીએ અને આપાગીગાના આશીર્વાદથી અમને આ સેવાનો લાભ મળ્યો છે.
આજે શિવરાત્રીના દિવસે ફરાળમાં ૧૫ જેટલી આઈટમો આ અન્ન ક્ષેત્રમાં તૈયાર કરવામાં આવી છે, તથા ફરાળ ન કરતા ભાવિકો માટે પણ ૧૨ જેટલા મિષ્ટાન, ફરસાણ અને ગુજરાતી ભોજનનું મેનું રાખવામાં આવ્યું છે, ત્યારે નરેન્દ્ર બાપુ તરફથી આ અન્ન શેત્રમા પધારી ભાવિકોને પ્રસાદ લેવા ભાવ ભર્યું આમંત્રણ પણ અપાયું છે.