મોદીને વડાપ્રધાન બનતા અટકાવવા કોંગ્રેસ વડાપ્રધાન પદ સહયોગી વિપક્ષી પક્ષોને આપવા તૈયાર હોવાનો કોંગ્રેસનો રાજકીય સંકેત
સમય વર્તે સાવધાન.. ભારતના આઝાદીના સાત દાયકાના સમયગાળા દરમિયાન કોંગ્રેસને સૌથી વધુ સત્તા ભોગવવાની તક મળી છે ત્યારે કોંગ્રેસ અત્યાર સુધી એક મોટા રાષ્ટ્રીય પક્ષ તરીકે રાજનીતિમાં તે કોઈની મદદ વિના સરકાર ચલાવવાનો અભિગમ ધરાવતી હતી ઇતિહાસ ગવાહ છે કે ઈન્દિરા ગાંધીની વિદાય પછી રાજીવ ગાંધી અને ત્યારપછી કોંગ્રેસની નાવ જ્યારે જ્યારે હાલક-ડોલક થતી હતી ત્યારે કોંગ્રેસે સત્તા માટે કોઈ સાથે હાથ ન મીલાવવા પડે તેવો રસ્તો અખત્યાર કર્યો છે.
કોંગ્રેસ સૌથી જૂના અને સૌથી વધુ સત્તા ભોગવનાર પક્ષ તરીકે આત્મવિશ્વાસથી છલકતો પક્ષ હતો પરંતુ નરેન્દ્ર મોદીના રાજકીય આગમનથી બદલાયેલા પવનની સૌથી વધુ અસર કોંગ્રેસને થઇ હોય તેમ ગત લોકસભાની ચૂંટણીમાં તો કોંગ્રેસને સંસદમાં વિપક્ષના નેતાગીરી માટે જરૂરી લોકસભાની કુલ બેઠકોમાંથી ૧૦ ટકા બેઠકો પણ મળી ન હતી શાસક તરીકે નહીં પણ કોંગ્રેસને વિપક્ષમાં બેસવા માટે પણ અન્યની જરૂર પડી હતી હવે સંજોગોથી ઘડાયેલી કોંગ્રેસ ગઠબંધનના રાજકારણને સન્માન આપવા લાગી છે.
૨૦૧૯ની વર્તમાન ચૂંટણીમાં રવિવારે સાતમો અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયા બાદ ૨૩મીએ આવનારા પરિણામ બાદના રાજકીય સમીકરણોના ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને આવતા અટકાવવા કોંગ્રેસ ખૂબ જ પ્રેક્ટિકલ મોડમાં આવી ગઈ છે. સોનિયા ગાંધીએ આ વખતે ખૂબ જ મોટું મન બનાવીને ગઠબંધન માટે તમામ દરવાજાઓ ખુલ્લા રાખ્યા છે.
બિન એનડીએ પક્ષના તમામ નેતાઓ અને પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે સંદેશો પાઠવી સંકેત આપી દીધા છે કે કોંગ્રેસમાં અત્યારે વડાપ્રધાનનો કોઈ મુદ્દો નથી જેની પુરવાર થાય છે કે, વડાપ્રધાનની રેસમાંથી કોંગ્રેસ સ્વેચ્છાએ હટી ગઈ છે. કોંગ્રેસ વિપક્ષની નેતાગીરી લેવા પણ તૈયાર છે. પરંતુ વડાપ્રધાન બનાવવા માટે કોંગ્રેસ તમામ સહયોગીઓની લાગણીનું સન્માન કરશે તેવું પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ગુલામ નબી આઝાદે ચૂંટણી પહેલા જ પક્ષની નીતિ સ્પષ્ટ કરી જણાવી દીધું હતું કે પક્ષ સભ્યોનું સન્માન જાળવશે વડાપ્રધાન પદની દાવેદારીની રેસમાં કોંગ્રેસ નથી કોંગ્રેસને લાંબા સમયના રાજકીય વનવાસ બાદ બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તા ૨૦૧૯માં કોઈપણ સંજોગોમાં ફરી ન આવે તે માટે વડાપ્રધાન પદ તો શું ગમે તે મુદ્દે બાંધછોડ કરવા તૈયાર હોવાનું સમજદારીભર્યું સંકેત કોંગ્રેસે આપી દીધો હોવાનું જાણવા મળ્યું છે.