કેન્દ્ર સરકાર અને આઈસીએમઆરએ સંયુક્ત પત્ર લખી આરટી-પીસીઆર પદ્ધતિથી ટેસ્ટ કરવા રાજ્યોને કરી તાકીદ
દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધુ વેગે વ્યાપી રહ્યો છે. કોરોના હવે અગાઉ કરતા પણ વધારે લોકોને ભરખી રહ્યો હોય તે પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યાં છે. બુધવારે ફકત એક જ દિવસમાં સમગ્ર ભારત દેશમાં ૯૫૦૦૦થી પણ વધુ કોરોના કેસ નોંધાયા છે. જે આરોગ્ય તંત્ર માટે ખુબ ચિંતાનો વિષય બન્યો છે. તેમાં પણ એક મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે, કોરોના ટેસ્ટમાં લક્ષણો ધરાવતા હોવા છતાં રિપોર્ટ નેગેટીવ આવ્યો હોય તો તેવા લોકોનો ફરીવાર આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી બન્યો છે. કારણ કે, અમુક સમયે કોરોના પોઝિટિવ દર્દીનું સામાન્ય કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા હોય તેવી બાબત હાલ સામે આવી છે. જેના કારણે આરોગ્ય મંત્રીએ તાકીદ કરતા કહ્યું છે કે, લક્ષણો ધરાવતા વ્યક્તિનો જો કોરોના રિપોર્ટ નેગેટીવ આવે તો તેનો ફરીવાર આરટી-પીસીઆર રિપોર્ટ કરવો જરૂરી છે. જેથી તે ખરા અર્થમાં પોઝિટિવ છે કે કેમ ? તે અંગે તાગ મેળવી શકાય અને તેનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.
બુધવારે ફકત એક જ દિવસમાં સમગ્ર દેશભરમાં વધુ ૯૫૦૦૦ કોરોના કેસ નોંધાયા છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને તાકીદ કરતા જણાવ્યું છે કે, લક્ષણો ધરાવતા હોવા છતાં રેપીડ એન્ટીજન પરીક્ષણ (આરએટી)માં નેગેટીવ નોંધાયેલા દર્દીઓનો આરટી-પીસીઆર પધ્ધતિથી ફરીવાર ટેસ્ટ કરવા જરૂરી છે. જેથી તેઓ કોરોના સંક્રમિત છે કે નહીં તે અંગે સચોટ ખ્યાલ મેળવી શકાય.
દેશમાં બુધવારે નોંધાયેલા કુલ કેસો પૈકી ૬૦ ટકા કેસ ફકત પાંચ રાજ્યોમાં નોંધાયા છે. ફકત મહારાષ્ટ્રમાં જ ૨૩૫૭૭ અને આંધપ્રદેશમાં ૧૦૪૧૮ નવા કોરોના પોઝિટિવ કેસનો વધારો નોંધાયો છે.
આરોગ્ય મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર વધુ ઝડપી પરિક્ષણ કરી ખાતરી મેળવવા ઈચ્છે છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર એવા રાજ્યોમાં વધુ પરિક્ષણ હાથ ધરવા ઈચ્છે છે કે ક્યાં પોઝિટિવ કેસની સંખ્યા વધારે છે. પરંતુ કોરોના ટેસ્ટમાં શીથીલતાના કારણે આ પોઝિટિવ કેસો સામે આવતા નથી. સાથે સાથે કેન્દ્ર સરકાર માસ્કનો વ્યાપક ઉપયોગ થાય તે અંગે પણ હાલ કડક વલણ દાખવી રહ્યું છે.
નવા કેસના ઉમેરાની સાથે સાથે દેશમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગુરૂવારે સવાર સુધીમાં ૨૪ કલાકના આંકડા મુજબ ૧૧૭૨ લોકોના મોત નોંધાયા હતા. જેમાંથી ફકત ૫ રાજ્યોમાં ૬૯ ટકા મૃત્યુઆંક સામે આવ્યો છે. એટલે કે સમગ્ર દેશમાં નોંધાતા મૃત્યુ દરમાં ફકત પાંચ રાજ્યનો હિસ્સો ૬૯ ટકા જેટલો રહેવા પામ્યો છે. જેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, દિલ્હી અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. દેશના કુલ મૃત્યુદરમાં ફકત એકલા મહારાષ્ટ્રનો ૩૨ ટકા હિસ્સો છે. જેથી કહી શકાય કે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ તેમજ કોરોનાને કારણે થતાં મૃત્યુ દરનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે.
આરોગ્ય મંત્રાલય અને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા સંયુક્ત રીતે લખાયેલા એક પત્રમાં કેન્દ્રએ કહ્યું છે કે, આરએટી હેઠળ નોંધાતા નકારાત્મક કેસો શંકાસ્પદ ન બની રહે તે હેતુસર આરટીપીસીઆર પધ્ધતિથી ટેસ્ટ કરવા જરૂરી છે. જેથી શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવી કોરોના સંક્રમણનો ફેલાવો થાય નહીં.
પત્રમાં એ બાબતે પણ ભાર મુકવામાં આવ્યો છે કે, જ્યારે આરએટી હેઠળ પરિક્ષણ કરવામાં આવે છે ત્યારે નકારાત્મક અને શંકાસ્પદ જણાતા તમામ લોકોને ધ્યાને લેવા અતિ આવશ્યક છે. એવું પણ બની શકે છે કે, નકારાત્મક લક્ષણ ધરાવતા વ્યક્તિઓ અથવા શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓ નજીકના સમયમાં કોરોના સંક્રમિત બને અને ચેપ તેમની આસપાસના લોકોમાં ફેલાવે જેથી આ પ્રકારના દર્દીઓને અલગ તારવી તેમના આરટીપીસીઆર પદ્ધતિ મુજબ ટેસ્ટ કરવા અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે સમગ્ર દેશમાં સક્રિય કેસની સંખ્યા કુલ સંખ્યા ૯,૧૯,૦૧૮ પહોંચી હતી.