- સંશોધનમાં જાણવા મળ્યું છે કે સર્વસમાવેશક શિક્ષણમાં બાળકો શૈક્ષણિક તથા સામાજીક રીતે ખુબ સારો વિકાસ કરી શકે છે: સમાજના દરેક વર્ગમાં રહેલા ભેદભાવને દૂર કરવામાં પણ મદદરૂપ થશે
- સંકલિત શિક્ષણ કરતા સર્વ સમાવેશક શિક્ષણ શબ્દ ઘણો વિશેષ અર્થ ધરાવે છે: શિક્ષણ સાથે જોડાયેલા ઘણા લોકો આ બે શબ્દોને પર્યાય સમજે છે
- સર્વ સમાવેશક શિક્ષણ અન્ય પધ્ધતિઓથી અલગ તરી આવતું શિક્ષણ છે: આવા શિક્ષણથી ગરીબી અને વંચિતપણાનું ચક્ર ભેદી શકાય છે
દરેક બાળક તેના રાષ્ટ્ર માટે વિચારણીય સાથે તે દેશનો ભાવિ નાગરિક છે. નાગરીકોના વ્યક્તિગત ફાળાથી જ સમગ્ર દેશનો વિકાસ થાય છે, તેથી તમામ બાળકોનું આરોગ્ય, સુખ, સમૃધ્ધિ, સિધ્ધિ, યોગદાન, સલામતી અને સફળતા સાથે દેશને સીધી નિસબત છે. બાળકોને નિ:શુલ્ક અને ફરજીયાત શિક્ષણ કાનૂન (છઝઊ એક્ટ-2009)નો અધિકારએ આ ધ્યેય પ્રાપ્તિની દિશા માટે લેવાયેલું મહત્વપૂર્ણ કદમ છે. વિવિધ વર્ગ કે જાતીના ભેદભાવ વગર તમામને શિક્ષણ મળી રહે તે જરૂરી બાબત છે.
આપણાં લોકશાહી દેશમાં નાગરિકોને સમાન તકની ખાત્રી અપાય છે, છતા આપણાં દેશમાં ભેદભાવના કિસ્સા બની જ રહ્યા છે. આજે પણ અમુક શાળામાં અમુક વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો ઇન્કાર કરે છે. સાથે કેટલાક બાળકો શૈક્ષણિક તકોથી વંચિત રહી જાય છે. આ સમસ્યા નિવારણ માટે સર્વ સમાવેશક શિક્ષણ મહત્વનું ગણી શકાય છે. આજના લેખમાં આનો અર્થ અને તેના મૂળ સ્વરૂપની વાત કરવી છે. જે શિક્ષક મિત્રો માટે મહત્વની બની રહેશે. દરેક બાળકો એક સાથે એક સમાન શૈક્ષણિક જોગવાઇઓની સાથે શિક્ષણ ગ્રહણ કરે એવી અપેક્ષા છે.
– સર્વસમાવેશક શિક્ષણ: અન્ય પદ્ધતિઓથી અલગ તરી આવતું શિક્ષણ
થોડાંક વર્ષોથી ‘સંકલિત શિક્ષણ’ પરિભાષાને બદલે હવે ‘સર્વસમાવેશક’ શિક્ષણ એવું બોલાય છે. શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા ઘણા લોકો આ બે શબ્દોને એકબીજાના પર્યાય સમજે છે, અને ફક્ત શબ્દોની ફેરબદલી જ ગણે છે. પરંતુ ‘સંકલિત શિક્ષણ’ કરતાં ‘સર્વસમાવેશક શિક્ષણ’ શબ્દો ઘણો વિશેષ અર્થ ધરાવે છે. અગાઉનાં વર્ષોમાં દિવ્યાંગ બાળકોની સાથેના ભેદભાવને અટકાવવા તથા તેમને શિક્ષણ આપવા માટે ‘સંકલિત કરવાં’ તથા ‘મુખ્ય પ્રવાહમાં ભેળવવાં’ એવા શબ્દપ્રયોગો થવા લાગ્યા છે. પરંતુ સર્વસમાવેશક શિક્ષણ એ બહુ વિસ્તૃત અર્થમાં વપરાતા શબ્દો છે, જેમાં શિક્ષણના હેતુ માટે બાળકોને છૂટાં ન પાડવાનો સંદેશ છે. આ શબ્દોને આપણે સ્પષ્ટપણે સમજીએ.
– મુખ્ય પ્રવાહમાં ભેળવવાં
શરૂશરૂમાં દિવ્યાંગ બાળકોને શિક્ષણની સાધારણ પદ્ધતિથી જ શિક્ષણ આપવાનો પ્રયાસ થયો હતો. અને તે રીતે એવાં બાળકો માટેની અલાયદી અને વિશેષ શાળાઓ તેમને તૈયાર કરતી અને તૈયાર થયેલાં બાળકોને સાધારણ શાળાઓમાં દાખલ કરાતાં. અહીં ‘તૈયાર’ શબ્દને એ રીતે સમજવાનો હતો કે તે બાળકો શાળાની શૈક્ષણિક તથા સામાજિક માંગ પૂરી કરી શકશે. આ કામગીરીને ‘મુખ્ય પ્રવાહમાં લાવવાં’ એમ ગણવામાં આવી હતી.
– એકીકરણ
આ શબ્દનો ઉપયોગ દિવ્યાંગ બાળકોની સાધારણ બાળકો સાથે વિવિધ શૈક્ષણિક કામકાજમાં સહભાગીદારીનું વર્ણન કરવા માટે કરાયો હતો. એમાં ભાગ લેવાની જવાબદારી બાળકની પોતાની રહેતી. આવાં બાળકોને સામગ્રી કે ભણવા-ભણાવવાની પદ્ધતિની દ્રષ્ટિએ તેમની જરૂરિયાતો તથા આવશ્યકતાઓની સાથે અનુકૂલન સાધવા માટે પણ વર્ગખંડો તથા શાળાઓ પૂરતી તૈયાર નહોતી. તેમને બેસાડવા માટે પણ એક જ સ્થાન હતું (એક જ વર્ગખંડમાં સૌને બેસાડવાં પડતાં) અને બીજી તરફ, તે વ્યવસ્થા જે-તે સંસ્થાની પણ ન હોય, એવુંય બનતું.
– સમાવેશન
આ મુજબના વિચારો તથા વ્યવહારોના કારણે આપણને ‘સર્વસમાવેશક શિક્ષણ’નો એક વિરતૃત અને લોકશાહી દ્રષ્ટિકોણ પ્રાપ્ત થયો તે નિ:શંક બાબત છે. આનો સંદર્ભ એ છે કે, શાળાઓની સમુદાયોની જેમ એ રીતે પુન: ઘડતર કરવું કે જ્યાં એક સમાન વાતાવરણમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ બાળકો ભણી શકે. સર્વસમાવેશક શિક્ષણની સામાન્ય વિચારધારા એ છે કે વર્ગખંડમાં તમામ બાળકોને અપાતા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સારી શિક્ષણ પદ્ધતિ, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સારો તંદુરસ્ત સંબંધ બંધાય. વિદ્યાર્થીની વ્યક્તિગત જરૂરિયાતને પહોંચી વળવા માટે નિયમિત વર્ગખંડના વાતાવરણને પણ અનુકૂળ કરવામાં આવે. બાળકોને એક જ સમયે એકસાથે બેસાડીને તેમનું એકીકરણ કરીને અભ્યાસક્રમમાં યોગ્ય ફેરફાર કરીને, વધારે સમય આપીને, શિક્ષણની ખાસ પદ્ધતિઓ અખત્યાર કરીને અને વિશેષ મજબૂત મદદ પૂરી પાડીને તેમને લાભ આપવામાં આવે.
– સંકલિત શિક્ષણ તથા સર્વસમાવેશક શિક્ષણ વચ્ચેનો ભેદ
આ બંને પદ્ધતિઓ એક જ હેતુ ધરાવે છે અને નિયમિત શાળામાં દિવ્યાંગ બાળકોની બેસવાની જગ્યા સાથે બંને સંકળાયેલી છે. આ સમાનતાને બાદ કરતાં તે બંને ઘણી રીતે જુદી પડે છે.
સંકલિત પદ્ધતિમાં દિવ્યાંગ બાળકોને તથા મોટાંઓને મુખ્ય પ્રવાહની નિયમિત શાળાઓમાં સમાવિષ્ટ કરવાની પ્રક્રિયા છે. સંકલિતમાં એવા બાળકને તે પદ્ધતિમાં ‘બંધબેસતું’ કરી દેવાની પ્રક્રિયા પર ભાર મુકાય છે. સંકલિતમાં દિવ્યાંગ બાળકને જે તે વર્તમાન પરિસ્થિતિમાં બંધબેસતું થવા માટે તૈયાર થવું પડતું હતું. તેમાં એવા બાળકને વર્ગખંડની અપેક્ષાઓને અનુકૂળ થવાનું રહેતું. દા.ત. બહેરાં બાળકોને સાંભળવાનાં યંત્રો (હિયરિંગ એઇડ) સાથે બેસાડવામાં આવતાં. રિસોર્સ રૂમમાં તેમને સાંભળવાનું તથા બોલવાનું શિખવાડવાની તાલીમ અપાય. એ જ રીતે, પ્રજ્ઞાચક્ષુ (અંધ) બાળકોને કાં તો રિસોર્સ રૂમમાં મોકલવામાં આવતાં અથવા તો બ્રેઇલ લિપિ શીખવા માટે ખાસ કેન્દ્રો પર મોકલી દેવાતાં. જેઓ હરવા-ફરવાની વિકલાંગતા ધરાવતાં હોય તેવાં બાળકોને તેમના માટે સહાયક ઉપકરણો અપાય. શાળા-વર્ગખંડનું બાહ્ય માળખું પણ સુધારવામાં આવે, જેથી બાળક પોતાની રીતે શાળાએ પહોંચી શકે છે. લોકોની માનસિકતાને બદલવાની દિશામાં આ ખરેખર એક આવકાર્ય પગલું હતું.
સર્વસમાવેશક શિક્ષણ પદ્ધતિ બાળકને બદલવાને બદલે સિસ્ટમને બદલવા પર ભાર મુકે છે. સર્વસમાવેશક શિક્ષણમાં દિવ્યાંગ બાળકો ઉપરાંત જેઓ શિક્ષણની બાબતમાં જોખમ હેઠળ છે તેવાં બાળકો પણ સામાન્ય શિક્ષણ વર્ગખંડના સભ્યો હોય છે. વર્ગખંડમાં ચાલતી દરેક પ્રવૃત્તિમાં દરેક વિદ્યાર્થીને ભાગ લેતો કરવા માટે પૂરતી સહાય કરવા પર અહીં ભાર મુકાય છે. અહીં તો સિસ્ટમે પોતે જ વિદ્યાર્થીઓની જરૂરિયાતો અનુસાર તેમને સુધારેલા અભ્યાસક્રમ, સામગ્રીઓ તથા સાધનો સ્વયં જ સુધારો કરવાનો હોય છે.
આવી સહાયમાં વધારાનો સ્ટાફ રાખવો, સલાહ-સૂચન કરવાં અને વર્તમાન સ્ટાફ માટે ખાસ તાલીમ યોજવા જેવી બાબતોનો પણ સમાવેશ થઈ શકે. તમામ બાળકો માટેની અભ્યાસની કે ઈતર પ્રવૃત્તિઓની જગ્યાઓની સુધારણા કરવી અને બાળકો આ સ્થિતિમાં ભાગ લેવા માટે પૂરતાં તૈયાર નથી તેવું તેમને લાગે પણ નહીં તે રીતે આ કરવું. નીચે દર્શાવેલું કોષ્ટક આ તફાવતને વધારે સ્પષ્ટ રીતે રજૂ કરે છે.
– સર્વસમાવેશક શિક્ષણને અસરકર્તા પરિબળો
આપણે જાણીએ છીએ તેમ સર્વસમાવેશક શિક્ષણની વૈશ્ર્વિક પ્રથા છે. આ કાર્યક્રમની જ્વલંત સફળતા માટે તેની અમલીકરણ સંસ્થાઓએ બાળકોના અધિકારોનો સ્વીકાર કરવો પડશે. શાળાઓએ પોતાના સમુદાયોમાં બાળકોની ક્ષમતાઓની બાબતમાં નિરપેક્ષ રહીને તમામ બાળકોની જરૂરિયાતો પૂરી પાડવી પડશે. આમ તો આ વિચાર ઘણો સરળ લાગે છે, પરંતુ ઘણાં નોંધપાત્ર વિઘ્નો આ ધ્યેયોને સિદ્ધ કરવાના માર્ગમાં ઊભાં છે. સર્વસમાવેશક શિક્ષણના તત્ત્વજ્ઞાનને/વિચારને/ખ્યાલને પૂર્ણ કરવાના રસ્તામાં કેટલીક મુસીબતો છે પણ ખરી, અને તેમાંની કેટલીક મુશ્કેલીઓની ચર્ચા આ વિભાગમાં કરવામાં આવી છે.
– વિદ્યાર્થીઓમાં વિવિધતા
એક જ વયજૂથનાં બાળકોમાં પણ અનેક પ્રકારની વિવિધતા જોવા મળતી હોય છે. પોતાની પારિવારિક પાર્શ્ર્વભૂમિ, પ્રેરણા, શીખવાની ક્ષમતા, શિક્ષણમાં સફળતા તરફ દોરી જતી તેમની પોતાની વ્યક્તિગત ગુણવિશિષ્ટતાઓ, વલણો, રસરુચિ અને પ્રતિબદ્ધતાઓ બાળકે-બાળકે અલગ પડે છે. આવી વિસ્તૃત વિવિધતા ધરાવતાં બાળકોને એક જ જૂથમાં ભણાવવાં એક કપરું કામ છે.
– શિક્ષણની સ્વયંબધ્ધતા
બાળકની અલગ-અલગ જરૂરિયાતને ઓળખી કાઢવાના કૌશલ્યથી શિક્ષકે સજ્જ થવાનું હોય છે. પરંતુ શિક્ષક-તાલીમ કાર્યક્રમમાં આ મુદ્દો ભાગ્યેજ ધ્યાન પર લેવાય છે. વાસ્તવમાં દૈનિક ધોરણે વર્ગખંડમાં વિવિધતાની બાબતમાં કામ પાર પાડવા માટે શિક્ષકોને કેટલીક ખાસ તાલીમ આપવાની જરૂર પડતી હોય છે. આપણા દેશમાં આ જરૂરિયાત પૂરી થતી નથી, તેથી સર્વસમાવેશક શિક્ષણના અમલીકરણની સામે તે એક જોખમ ઊભું કરે છે.
– માળખાકીય સુવિધાઓ
વર્ગખંડનું બાહ્ય સ્થળ, જગ્યાનો અવકાશ તથા ગોઠવણ સર્વસમાવેશક શિક્ષણમાં મદદરૂપ નીવડે તેવાં જરૂરી પરિબળો છે. શીખવા-ભણવાની કામગીરીમાં જરૂરી પાયાની સવલતોનો આપણા દેશની મોટા ભાગની શાળાઓમાં અભાવ છે. અવાજ-ઘોંઘાટથી દૂરનું સ્થળ, યોગ્ય હવા-ઉજાસવાળા ઓરડાઓ, વર્ગખંડમાં અંદર અને બહાર મુક્તપણે હરી-ફરી શકાય તેવી જગ્યા, રમવા માટેનાં મેદાનો તથા અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓ માટેની જોગવાઈ સર્વસમાવેશક શિક્ષણને ટેકારૂપ એવી ખૂબ જ જરૂરી બાબતો છે.
– સંસાધનોની ઉપલબ્ધતા
આપણી શાળાઓએ બાળકોને ભણાવવાની તેમની કામગીરીમાં આધારરૂપ એવાં સંસાધનોની ઉપલબ્ધતા માટે હજી ખાંખાંખોળા કર્યા નથી. ભણવાની સામગ્રીની વિવિધતાનો ઉપયોગ કરવાના કૌશલ્યથી શિક્ષક સજ્જ નથી. યોગ્ય સામગ્રી વિના વર્ગખંડમાં શિક્ષકગણ વિવિધ ભણાવવાની જરૂરિયાત સાથે કામ પાર પાડવાની કામગીરીને મુશ્કેલ ગણે છે.
અમુક વર્ગોનાં બાળકોને સંભાળવામાં વ્યાવસાયિક લોકોનો સહયોગ ખુબ જ જરૂરી હોય છે. કેટલાંક બાળકોની શિક્ષણ પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે મનોચિકિત્સકો કાર્યકરો, ઑડિયોલોજિસ્ટો સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટો, સાયકોથેરાપિસ્ટો, વ્યાવસાયિક થેરાપિસ્ટોની જરૂર હોય છે. પરંતુ આપણે ત્યાં આ ક્ષેત્રમાં ખૂબ જ મર્યાદિત લોકો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ માટે કુશળતાપ્રાપ્ત અને નિષ્ણાંત લોકો મળવા એ બહુ જ દૂરની વાત છે. “એકલપંડે આપણે આટલું કરીએ તો સાથે મળીને ઘણું કરી શકીએ!” – હેલન કેલર
જડતાંવાળી પરીક્ષા વ્યવસ્થાને કારણે સાચુ મૂલ્યાંકન થતું નથી
આપણે ત્યાં શાળાકિય પરીક્ષાઓની વ્યવસ્થામાં એટલી બધી જડતા છે કે બાળકનું મૂલ્યાંકન સદંતર ખોટું થાય છે. વિવિધ પ્રકારનાં વિદ્યાર્થીઓ માટે વિવિધ મૂલ્યાંકન પધ્ધતિનો ઉપયોગ કરવાની જરૂર છે. જો કોઇ બાળક લખી શકતું ન હોય તો તેની અન્ય શક્તિ-સંપન્નતાઓ કે ગુણ વિશિષ્ટતાઓ દબાઇ જાય છે. લખવા-વાંચવા સિવાયની કોઇ મૂલ્યાંકન પધ્ધતિની બાળકને જરૂર હોય તો પણ આપણે તેને વિકલ્પ આપતા નથી, આનાથી બાળક હતાશાનો ભોગ બને છે અને તે શાળા છોડી દે છે.
દરેક બાળક પ્રતિભા સંપન્ન છે જ, પણ તમે માછલીની ઝાડ પર ચડવાની ક્ષમતા આધારે તેનું મૂલ્યાંકન કરો તો તે બિચારો આખી જીંદગી પોતાની જાતને ડફોળ જ માનતો રહેશે.: આલ્બર્ટ આઇન્સ્ટાઇન