- ઇલેક્શન સિઝર મેનેજમેન્ટ સિસ્ટમ નામની નવી એપ કાર્યરત કરતું ચૂંટણી પંચ
- જ્યાં ગત ચૂંટણીમાં મહિલાઓનું મતદાન 50 ટકાથી ઓછું થયું હોય તેવા બુથ ઓળખવા અને મતદાન વધારવા શુ પગલાં લેવા તેની વિસ્તૃત જાણકારી અપાઈ : ચૂંટણી પંચે તમામ જિલ્લાઓ સાથે કરી વીડિયો કોન્ફરન્સ
ચૂંટણી પંચ લોકસભાની ચુટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે સંદર્ભે કવાયત હાથ ધરી રહ્યું છે. માટે આ વખતે રાજ્યભરમાં આચાર સંહિતા દરમિયાન બિનહિસાબી રોકડ કે સોના- ચાંદી પકડાશે તેની તુરંત જ એપમાં એન્ટ્રી કરવાનો નિર્ણય લેવમાં આવ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લાઓ સાથે ચૂંટણીની તૈયારી સંદર્ભે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ સહિતના તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા જિલ્લા કક્ષાએથી ચૂંટણી સ્ટાફનો ડેટા બેઇઝ માંગવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્ટાફ પાસેથી એરર ન આવે તેવી રીતે માહિતી માંગવાનું સૂચન આપવામા આવ્યું હતું. વધુમાં સ્ટાફનો એપિક નંબર પણ તકેદારી સાથે અપવાનું કહેવામાં આવ્યું હતુ.
આ સાથે જ્યાં ગઈ ચૂંટણીમાં ઓછા મહિલાઓનું મતદાન થયું હોય ત્યાં વિશેષ તકેદારી રાખવા પણ કહ્યું હતું. ખાસ કરીને જે મતદાન મથકો ઉપર મહિલાઓનું 50 ટકાથી ઓછું વોટિંગ થયું હોય તેવા બુથ ઓળખવા અને મતદાન વધારવા માટે શુ પગલાં લેવા તેનું માર્ગદર્શન પણ આપ્યું હતું.
વધુમાં ચૂંટણી પંચના અધિકારીઓએ નવી એપ વિશે માહિતી આપી હતી. જેનું નામ ઇલેક્શન સિઝર મેનેજમેન્ટ સિસ્ટમ છે. સ્ટેટીક અને ફ્લાઇનિંગ સ્ક્વોડ આચાર સંહિતામાં રોકડ, સોના ચાંદી પકડે તે ક્યાંથી પકડાયું, કેટલું પકડયું તેની એન્ટ્રી આ એપમાં કરવામાં આવશે. આ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.અત્યાર સુધી આ કામગીરી મેન્યુઅલી થતી હતી. પણ હવે પંચે એપ બનાવી કામગીરી ઓનલાઈન કરી નાખી છે.
વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા વિકાસ અધિકારીઓને વોટર ટર્નઆઉટના નોડલ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી જિલ્લા વિકાસ અધિકારીઓને માત્ર ખર્ચના જ નોડલ બનવવામાં આવતા હતા. પણ હવે વધારાની જવાબદારી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આપવામા આવી છે.