એન્જિનિયરિંગ, ગારમેન્ટસ અને કોટન યાર્ન જેવા રોજગાર સર્જનારા ક્ષેત્રોને સૌથી વધુ અસર
ભારતની યુએસમાં નિકાસ સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 10.7% ઘટી હતી. દેશના એકંદર શિપમેન્ટમાં ગયા મહિને 3.5%નો ઘટાડો થયો હતો જેમાં એન્જિનિયરિંગ, ગાર્મેન્ટ્સ અને કોટન યાર્ન જેવા રોજગાર સર્જનારા ક્ષેત્રોને સૌથી વધુ અસર થઈ હતી. કેટલીક વિકસિત અર્થવ્યવસ્થાઓમાં મંદી છે અને તેના પરિણામે માંગમાં ઘટાડો આવ્યો છે. જેથી અમુક ક્ષેત્રોમાં નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે,” સરકારે જણાવ્યું હતું કે, સ્થાનિક ફુગાવા અને સ્થાનિક ખાદ્ય સુરક્ષાની ચિંતાઓને કાબૂમાં રાખવાના ચોક્કસ પગલાંએ પણ નિકાસને અસર કરી છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશ્લેષણ મુજબ, યૂએઇ અને બાંગ્લાદેશ સહિત ટોચના 10 બજારોમાંથી છ અને ટોચની 30 મુખ્ય કોમોડિટીમાંથી18ની નિકાસમાં ઘટાડો થયો છે.કોવિડ-19 પ્રતિબંધોને કારણે ચીન અને હોંગકોંગમાં સ્ટીલ પર 15% નિકાસ જકાત સાથે માંગમાં ઘટાડો થવાને કારણે એન્જિનિયરિંગ માલની નિકાસ 17% ઘટી ગઈ.
રશિયા-યુક્રેન યુદ્ધ અને આર્મેનિયા-અઝરબૈજાન તણાવને કારણે સીઆઈએસ દેશોમાં એન્જિનિયરિંગ માલની નિકાસને અસર થઈ હતી. તેવી જ રીતે, યુ.એસ. અને યુરોપમાં ઊંચા ઈન્વેન્ટરી સ્ટોક, આર્થિક મંદી, ઊંચા વ્યાજ દરો તેમજ યુએઇ અને સાઉદીના બજારોમાં વધતા ફુગાવાને કારણે સપ્ટેમ્બરમાં વસ્ત્રોની નિકાસમાં 21.5%નો ઘટાડો થયો છે.
એપ્રિલ-સપ્ટેમ્બરમાં કોટન યાર્ન, ફેબ્રિક્સ અને મેકઅપ્સની નિકાસમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 23 ના પ્રથમ છ મહિનામાં હસ્તકલા નિકાસમાં ઘટાડો 30.5% છે જ્યારે કાર્પેટમાં 19.1% છે. ઉલ્લેખનીય છે કે ભારતનું અર્થતંત્ર ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. પણ વિશ્વના અનેક વિકસિત દેશોના અર્થતંત્ર અત્યારે પીડાઈ રહ્યા છે. તેની અસર ભારતના અર્થતંત્ર ઉપર પડી રહી છે. બીજી તરફ ભારત નિકાસ કરતા આયાત વધુ કરે છે. જેને કારણે વેપાર ખાધમાં વધારો નોંધાઇ રહ્યો છે. સરકાર તેમાં ઘટાડો લાવવા અનેક પ્રોડક્ટનું ઘરઆંગણે જ ઉત્પાદન કરવા સતત પ્રયત્નો કરી રહી છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સેમી કંડકટરનું મેન્યુફેક્ચરિંગ છે. સરકારે તેનું ભારતમાં જ ઉત્પાદન થાય તે માટે તમામ આયોજન ઘડી કાઢ્યું છે. આ ઉપરાંત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા પણ સરકાર કવાયત હાથ ધરી રહી છે.
યુએસ અને યુરોપમાં થતી નિકાસમાં ડિસેમ્બરમાં વધારો થવાની શકયતા
એક અધિકારીએ જણાવ્યું હતું કે, ” યુરોપ અને યુએસમાં ઊંચા ઈન્વેન્ટરી સ્ટોક્સ ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યાં સુધી અમે આ સેક્ટરમાં ધીમી વૃદ્ધિ જોઈ શકીએ છીએ. આ ઉદ્યોગમાં ડિસેમ્બર પછી તેજી આવે તેવી શકયતા છે.