પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ‘કમલમ્’ ખાતે પત્રકાર પરિષદ સંબોધી
પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ સંદર્ભે વચેટિયા ક્રિશ્ચિન મિશેલની થઈ રહેલી પૂછપરછના કારણે કોંગ્રેસના પેટમાં તેલ રેડાઇ રહ્યું છે. વાઘાણીએ કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અહેમદ પટેલને પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતું કે, અગસ્તા વેસ્ટલેન્ડમાં થઈ રહેલી તપાસ મુદ્દે કોંગ્રેસ શા માટે ગભરાઈ રહી છે ? તેનો જવાબ કોંગ્રેસે દેશની જનતાને આપવો જોઈએ.
પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોઈપણ ભ્રષ્ટાચારીને બક્ષવામાં આવશે નહીં. વચેટીયા ક્રિશ્ચિન મિશેલનું પ્રત્યાર્પણ પણ વડાપ્રધાનની ભ્રષ્ટાચાર સામેની મહત્વની લડાઈનો ભાગ છે. જેમણે પણ દેશની સુરક્ષા સાથે ચેડા કર્યા છે અવા તો દેશની પ્રજાના પૈસા લૂંટ્યા છે તેવી કોંગ્રેસે દેશને જવાબ ચોક્કસી આપવો જ પડશે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમના મુખીયાઓને બચાવવા માટે અણધડ નિવેદનો આપે છે તે અશોભનીય છે.
રાહુલ ગાંધીએ કરેલા ગુજરાત વિરોધી નિવેદનો બદલ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ગુજરાતની જનતાની માફી માગવી જોઈએ. ભૂતકાળમાં પણ ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતાએ યુપીએ સરકાર દ્વારા ગુજરાત વાઇબ્રન્ટમાં ભાગ લેનારા ઉદ્યોગકારોને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસો મોકલવાનું ષડ્યંત્ર રચ્યુ હતું અને ગુજરાતના વિકાસને રૂંધી નાખવા માટેના હીન પ્રયાસો રચ્યા હતા પરંતુ, આવી ગુજરાત વિરોધી તાકાતોને ગુજરાતની જનતાએ તેમનું સન બતાવી દીધું છે અને સતત છઠ્ઠીવાર ભાજપાને સત્તાનું સુકાન સોંપ્યું છે તેમ વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ.