- લ્યો કરો વાત… સીઆરપીસીમાં હાથકડીના ઉપયોગ માટે કોઈ માર્ગદર્શિકા જ ન્હોતી!!
- આરોપીની તબીબી તપાસ, મુદ્દામાલ રિકવરી, પંચનામા સમયે હાથકડીના ઉપયોગ પૂર્વે કોર્ટની મંજૂરી અનિવાર્ય
બોલિવૂડની ફિલ્મોમાં ખાસ કરીને 70 અને 80ના દાયકામાં પોલીસ ગુનેગારના ચહેરા સામે હાથકડી લટકાવીને કહેતો હતો કે, ’યુ આર અંડર એરેસ્ટ’ પણ હવે આ ચિત્ર બદલાઈ ગયું છે. સીઆઈડી (ક્રાઈમ અને રેલવે)એ એક પરિપત્ર જારી કરીને પોલીસને હાથકડીના ઉપયોગ માટે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જે એસઓપી મુજબ ગમે તે આરોપી મને હાથકડી પહેરાવી શકાતી નથી. ઉપરાંત હાથકડી પહેરાવવા માટે અમુક ચોક્કસ કિસ્સાઓમાં કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પણ જરૂરી છે.
સીઆઈડી દ્વારા આ પરિપત્ર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અનુસાર જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે સીઆરપીસીમાં હાથકડીના ઉપયોગ માટે કોઈ એસઓપી જ ન હતી.
ઑક્ટોબર 19ના રોજ જારી કરાયેલ પરિપત્ર મુજબ સુપ્રીમ કોર્ટે અગાઉ હાથકડીના ઉપયોગને નિયંત્રિત કરવા માટેના વિવિધ ચુકાદાઓમાં નિર્દેશો જારી કર્યા હતા, જેમાં જણાવ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓએ વ્યક્તિને હાથકડી લગાવતા પહેલા કોર્ટની પરવાનગી લેવી આવશ્યક છે.
પરિપત્રમાં ટાંકવામાં આવ્યું છે કે, ગંભીર ગુનાની શ્રેણીમાં વ્યક્તિને હાથકડી લગાડવાની પરવાનગી ધરપકડના સમયે અને કોર્ટમાં રજૂ કરવાના સમયે આપી શકાય છે.
જો કોઈ આરોપીને તબીબી તપાસ માટે, હથિયારોની પુન:પ્રાપ્તિ માટે અથવા ગુનામાં વપરાયેલી ચોરીની મિલકત અથવા ગુનાના સ્થળે લઇ જવા માટે હાથકડી લગાવવાની જરૂર હોય તો તે કોર્ટનો આદેશ મેળવ્યા પછી જ કરી શકાય છે.
જો અમુક બિમારીઓ ધરાવતી વ્યક્તિઓ માટે હાથકડી પહેરવી જોખમી હોય તો સામાન્ય રીતે તેમના સ્વાસ્થ્ય અને સલામતીના અધિકારનું ઉલ્લંઘન થતું અટકાવવા માટે તેને ટાળવું જોઈએ. ભારતીય બંધારણની કલમ 21 ની જોગવાઈઓનું ઉલ્લંઘન ન થાય અને માનવ ગૌરવને નુકસાન ન થાય તેની ખાતરી કરવાનો આદેશ પરિપત્ર મારફત જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને હાથકડી લગાડવી જરૂરી લાગે તો વાજબી કારણો અને આ સંદર્ભે મેળવેલા કોઈપણ ઓર્ડર સ્ટેશન ડાયરીમાં સ્પષ્ટપણે નોંધાયેલા હોવા જરૂરી છે તેવો ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. બીએનએસએસની કલમ 43(3) હેઠળ હાથકડીના ઉપયોગ માટેની જોગવાઈ ફરજિયાત નથી પરંતુ જરૂરી છે, એમ તેણે જણાવ્યું હતું.
કોને-કોને હાથકડી પહેરાવી શકાય?
પોલીસ અધિકારી એવી વ્યક્તિની ધરપકડ કરતી વખતે અથવા કોર્ટમાં રજૂ કરતી વખતે હાથકડીનો ઉપયોગ કરી શકે છે જે રીઢો ગુનેગાર હોય, કસ્ટડીમાંથી ભાગી ગયો હોય, સંગઠિત અપરાધ આચરતો હોય, આતંકવાદી, ડ્રગ-સંબંધિત ગુનાઓ, ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો રાખવા, હત્યા, બળાત્કાર, એસિડ એટેક, નકલી ચલણ, માનવ તસ્કરીના ગુનાઓ, બાળકો સામેના જાતીય ગુનાઓ અથવા રાજ્ય સામેના ગુનાઓ આચરનાર શખ્સને હાથકડી પહેરાવી શકાય છે.
પોલીસે હાથકડીનો ઉપયોગ કરતા પૂર્વે કંઈ કંઈ બાબતોની કાળજી રાખવી જરૂરી?
સામાન્ય સંજોગોમાં હાથકડીનો ઉપયોગ ન કરવો જોઈએ તેવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. બિનજરૂરી પીડા અથવા ઈજા પહોંચાડે તેવી રીતે હાથકડીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. યોગ્ય અને જરૂરી કારણો વિના લાંબા સમય સુધી વ્યક્તિઓને હાથકડી પહેરવાનું ટાળવું જોઈએ. સજાના સ્વરૂપમાં અથવા વ્યક્તિના ગૌરવને નુકસાન પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.