ક્રિકેટ ઓસ્ટ્રેલિયા રમતમાં પોતાની મરજી ચલાવવા માંગે છે

બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલીને નિશાન બનાવવા બદલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓને ઝાટકી નાખતાં તેઓનાં આચરણને અભદ્ર અને અહંકારસભર જાહેર કર્યું. આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા સમિતિની ભલામણો અંતર્ગત બીસીસીઆઇના અધ્યક્ષપદેથી હટાવાયેલા ઠાકુરે કહ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા હંમેશા ભારતના મામલામાં પોતાની મરજી થોપવાની કોશિશ કરતું રહ્યું છે.

ઠાકુરે ટ્વિટ કરતાં જણાવ્યું, વિરાટ જેવા લેજન્ડના મામલામાં ઓસ્ટ્રલિયન મીડિયા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓનું વર્તન અભદ્ર રહ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો અહંકાર છે, જે હંમેશાંથી ક્રિકેટમાં મરજી ચલાવવા અને ખેલાડીઓને નિશાન બનાવવાની કોશિશ કરતા રહે છે.

ઠાકુરે એવું પણ જણાવ્યું કે, બીસીસીઆઇના અધિકારીઓ સંપૂર્ણપણે ભારતીય ટીમનું સમર્થન નથી કરી રહ્યા. આ કેવી જાતની સંધિ છે કે બીસીસીઆઇએ પોતાના કેપ્ટનના સ્વાભિમાનની પણ પરવા કરી નહીં અને ટીમ તથા ખેલાડીઓ સાથે ઊભા રહ્યા નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.