આ સિરીયલમાં ગુજરાતી કલાકારોએ કમાલ કરી છે જેમાં ‘અનુપમા’ના ભૂલકણા મામાના પાત્રમાં શેખર શુકલ, ‘અનુપમા’ના સાસુના પાત્રમાં અલ્પના બુચ તથા સસરાનાં પાત્રમાં રંગભૂમિના વરિષ્ઠ કલાકાર અરવિંદ વૈદ્યે સુંદર અભિનય કર્યો છે
૨૦૨૦ ના વર્ષે , કોરોનાને લીધે ઘરમાં પૂરાઇ રહેવા માટે આપણે સહુ મજબૂર થઇ ગયાં. ઘરની ચાર દિવાલો,સ્વજનોના સથવારે ; શરુઆતમાં તો સમય પસાર થયો પરંતું સમય જતાં આ સમયની પસાર થવાની ગતિ ધીમી અને અતિ ધીમી થઇ ગઇ. સતત પ્રવૃત્ત રહેતાં આપણે સહુ સાવ થંભી ગયા.
આપણા આ અટકેલા જીવનમાં આપણામાંથી મોટા ભાગના લોકોએ વેબસિરિઝ, ટેલિવિઝન જેવા માધ્યમોનો સહારો લીધો અને આ મનોરંજનનો આશરો ઘણે અંશે સફળ પણ નિવડ્યો.
આમ તો ટીવી અને ખાસ કરી ટીવી સિરિયલોથી આઘા રહેનાર મેં સિરીયલોની ચેનલો જોવાનું શરુ કર્યું અને પછી રાત્રે ૮.૩૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી એ ચેનલો પર ઘૂમરાયા કરવાની એક આદત થઇ ગઇ. પહેલાં થોડા મહિનાઓમાં તો મોટેભાગે નિરાશા અને કંટાળા સિવાય કંઇ મળ્યું નહીં, પણ અચાનક …….. એક નવી હિંદી સિરીયલ શરૂ થઇ ’અનુપમા’. મનમાં વિચાર આવ્યો કે સમય છે તો નવી સિરીયલની શરુઆત જોઇ લઇએ.
’અનુપમા’ નામની આ સિરીયલે શરૂઆતથી જ એક પ્રેક્ષક તરીકે મને જકડી લીધો. સાવ સરળ વિષય પર બનેલી આ સિરીયલે દર પસાર થતા એપીસોડે મોટા ભાગના પ્રેક્ષકો પર પોતાની પકડ જમાવી દીધી.
પછી મેં વિચાર કર્યો કે ’અનુપમા’ નામની આ સિરીયલની આટલી સફળતાનું કારણ શું?..પછી સિરીયલ જોતાં જોતાં અનુપમાની સફળતાનું કારણ પણ જડી ગયું.
’અનુપમા’ સિરીયલના પાત્રો પ્રેક્ષકોને એટલાં સાચાં અને સરળ લાગ્યાં કે તેઓ પોતાની જીંદગીનો તંતુ ’અનુપમા’ ની વાર્તા સાથે સહજતાથી જોડી શક્યા અને જ્યારે પ્રેક્ષકો એક વાર્તા સાથે જોડાઇ જાય પછી એ વાર્તા એ પ્રેક્ષકોના જીવનનો એક હિસ્સો બની જાય છે .
’અનુપમા’ સિરીયલની સફળતા માટે જેટલી વાર્તા મહત્વની નીવડી એની સાથે એ વાર્તા ના પાત્રોને પોતાના અભિનયથી જીવતા કરનાર એ કલાકારોના અભિનયને પણ બિરદાવવો જ રહ્યો.
’અનુપમા’ના પાત્રને; ખૂબ જાણીતી અભિનેત્રી રુપાલી ગાંગુલીએ એટલા સાતત્યથી ભજવ્યું છે કે આજે પ્રેક્ષકોની સાથે અનુપમા લાગણીના તાંતણે જોડાઇ ગઇ છે.’અનુપમા’ ના જીવનમાં આવતા લાગણીઓ ના ઉતાર ચઢાવનો ધબકાર પ્રેક્ષકો ઝીલી રહ્યા છે. ગુજરાતી પરિવારના પરિવેશમાં બનેલી આ સિરીયલમાં, પોતાની બંગાળી અટકને ભૂલવીને રુપાલી ગાંગુલીએ; એક સાવ સાચી ગુજરાતી સ્ત્રીનું પાત્ર અદ્ભુત રીતે આત્મસાત કર્યું છે.
બીજીબાજુ એના પતિ વનરાજ શાહની ભૂમિકામાં સુધાંશુ પાંડે પોતાના અભિનયના અનુભવની ઉંડી છાપ પ્રેક્ષકો પર પાડી જાય છે.
અને હવે વાત આપણા પોતિકાં ગુજરાતી કલાકારોની…
ગુજરાતી પરિવેશમાં બનેલી ’અનુપમા’ સિરીયલમાં કેટલાક મુખ્ય પાત્રોમાં આપણા ગુજરાતી કલાકરોએ કમાલ કરી છે.
અનુપમાના ભૂલકણા મામાના પાત્રમાં જાણીતા ગુજરાતી કલાકાર શેખર શુક્લ લોકોના ચહેરા પર હાસ્ય લાવવામાં ખૂબ જ સફળ અને સહજ રહ્યાં છે. તો બીજી બાજુ ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર શ્રી . અરવિંદ વૈધએ; અનુપમાના સસરાના પાત્રમાં લાગણી અને હળવાશનું અદ્ભુત સંતુલન જાળવીને પાત્રને જીવંત કર્યું છે.
હવે વાત કરીએ એક એવી ગુજરાતી અભિનેત્રીની જેમણે અનુપમા સિરીયલથી પોતાની એક ગજબની ઓળખ બનાવી ’લીલા’ પાત્રમાં ખૂબ પ્રસિધ્ધી હાંસિલ કરી છે. વહુને મ્હેણાં મારતી સાસુ સામાન્ય રીતે પ્રેક્ષકોમાં અળખામણી સાબિત થાય છે પણ અનુપમા સિરીયલની સાસુ લીલાના પાત્રમાં મ્હેણાં મારતી સાસુમાં સંતાયેલી એક સ્ત્રીની લાગણીઓને પ્રેક્ષકો સામે લાવી , અભિનેત્રી અલ્પના બુચે પ્રેક્ષકોના મન જીતી લીધાં છે.
આમ જૂઓ તો આ સિરીયલના બધાં જ પાત્રો વાર્તામાં એવા વણાઇ ગયા છે કે બધું ખૂબ સાહજીક લાગે છે.
અત્યારે અનુપમા સિરીયલની વાર્તા એક એવા વળાંક પર આવીને ઉભી છે કે “હવે શું થશે?” વાળી પ્રેક્ષકોની લાગણી એના ચરમ પર છે.
અનુપમા જેવી સરળ અને સચોટ સિરીયલો વધુ ને વધુ બને એવી અબતક ની શુભેચ્છાઓ…….