માંગરોળના આંત્રોલી ગામ ની સરકારી જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર કબજા સબંધે થયેલ ફરિયાદ અનુસંધાને કોર્ટે આ કેસના આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી સાથે જૂનાગઢના કલેક્ટર તથા ફરિયાદી માંગરોળના મામલતદાર દ્વારા તપાસમાંં સહકાર ન આપવાની વૃત્તિને ધ્યાને લઇ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે મહેસુલ વિભાગના સચિવ તેમજ કાયદા વિભાગના સચિવને આ હુકમની નકલ મોકલી, તેમના વિરુદ્ધ થતી કાર્યવાહીનો રિપોર્ટ કોર્ટમાં 30 દિવસમાં કરવા પણ હુકમ કર્યો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળ તાલુકાના આંત્રોલી ગામ ની રેવન્યુ સર્વે નં. 217/1/પી/88 ની 1-61-88 હે-આરે-ચો.મી. સરકારી જમીન જૂનાગઢ જિલ્લા કલેકટરના તા. 5/7/1973ના આદેશથી દેવશીભાઇ લખમણભાઇને નાળિયેરીના વાવેતર માટે ફાળવેલ હતી અને તેની મુદત તા. 7/3/2008 ના રોજ પૂરી થયેલ હોવા છતાં આ જમીનના માલિકની કાયદેસરની સ્પષ્ટતા ન હોવા છતાં દેવશીભાઇ લખમણભાઇ એ અનઅધિકૃત રીતે આ જમીન પોતાના કબજામાં રાખેલ અને સાજણભાઈ જીવાભાઈ કેશવાલાને આ સરકારી જમીન વેચી દીધી હતી ત્યારે આ જમીન ઉપર તેમના દ્વારા ગેરકાયદેસર નાળિયેરનું વાવેતર કરી સરકારી જમીન ઉપર દબાણ કબજો કરેલો હતો અને જે અનુસંધાને માંગરોળ મામલતદાર દ્વારા સાજણભાઈ જીવાભાઈ કેશવાલા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા ની કલમ મુજબ ગુનો નોંધવામાં આવતા સાજણભાઈ કેશવાલા દ્વારા આ અંગે આગોતરા જામીન ઉપર મુક્ત થવા જૂનાગઢ જિલ્લાના ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી મૂકવામાં આવી હતી.જે અરજી અનુસંધાને અરજદારના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી તદ્દન નિર્દોષ છે તેમણે ફરિયાદ મુજબનો કોઈ ગુનો કરેલ નથી પરંતુ 66 વર્ષના વૃદ્ધ અરજદારને 13 વર્ષ બાદ હેરાન કરવાના ઈરાદે રાજકીય હેતુથી આરોપી વિરુદ્ધ લેન્ડ એક્ટની જોગવાઈઓનો દુરુપયોગ કરી હાલની ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે તે સંજોગોમાં તમામ હકીકત ધ્યાને લઇ અરજદારને આગોતરા જામીન આપવા જોઈએ.
આ અંગે બંને પક્ષોની દલીલો તથા આધાર, પુરાવા બાદ કોર્ટ દ્વારા આ કેસમાં અરજદાર આરોપી સાજનભાઈ જીવાભાઈ કેશવાલાની વિવિધ શરતો સાથે આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી, આ સાથે જૂનાગઢના કલેક્ટર તથા ફરિયાદી માંગરોળના મામલતદાર તપાસમાંં સહકાર ન આપવાની વૃત્તિ ને ધ્યાને લઇ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે મહેસુલ વિભાગના સચિવ તેમજ કાયદા વિભાગના સચિવને આ હુકમની નકલ મોકલી, તેમના વિરુદ્ધ થતી કાર્યવાહીનો રિપોર્ટ કોર્ટમાં 30 દિવસમાં કરવા પણ હુકમ કર્યો હતો.