આસમાની રંગની ચૂંદડી રે…….ચૂંદડી રે……. માં ની ચૂંદડી લહેરાય …....
શહેરમાં જેટલા અર્વાચીન રાસોત્સવના આયોજનો થયાં છે. તેનાથી વધુ પ્રાચીન ગરબીઓ યોજાઇ છે આ પ્રાચીન ગરબીમાં નાની નાની બાળાઓ ગરબાં ગાઇ, પ્રાચીન રાસ રમી મૉની આરાધના કરી છે. શહેરના માયાણી ચોકમાં ખોડીયાર ભવાની ગરબી મંડળ, ઓમનગરમાં નવદુર્ગા ગરબી મંડળ તેમજ ૧પ૦ ફુટ રીંગરોડ નજીક મારવાડીની સામે બહુચર ગરબી મંડળ સહીતની ગરબીઓની બાળાઓ દાંડીયા રાસ:, તાલી રાસ, ખંજરી રાસ રમી માઁ જગદંબાને પ્રસન્ન કરી રહી છે.
પ્રાચીન ગરબીઓ જોવા પણ શહેરીજનો ઉમટી રાત્રે ઉમટી પડે છે અને આપણી પ્રચીન પરંપરા સંસ્કૃતિને નિહાળે છે.
કોટેચા ચોક ગરબીનાં આયોજક કાનાભાઈ ચૌહાણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦ વર્ષથી અમારી ગરબી થાય છે. અમારી ગરબીમાં એ ગ્રુપ અને બી ગ્રુપ મળી ૩૨ બાળાઓ અને ૧૬ માલધારી સમાજનાં ભાઈઓ પ્રાચીન રાસ રમે છે.
દરરોજ બાળાઓને વિવિધ લ્હાણીઓ આપવામાં આવે છે. તેમજ નાસ્તો પણ આપવામાં આવે છે. મારો લોકોને સંદેશો એ જ છે કે દિવસેને દિવસે લોકો પશ્ર્ચિમ સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે ત્યારે આપણી લોક સંસ્કૃતિ જળવાય તેવા હેતુથી જ આ ગરબીનું આયોજન કરવામાં આવે છે.
માયાણી ચોક ગરબી મંડળનાં સભ્ય હિરેનભાઈ પરમારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષથી અમારી આ ગરબી થાય છે. પ્રાચીન ગરબીઓમાં રાજકોટમાં અમે બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ૩૦થી વધુ જેટલી બાળાઓ હવે ર્માંના નવલા નોરતામાં રાસની રમઝટ બોલાવે છે અને બાળાઓ જ વિવિધ નાટકો દ્વારા લોક સંસ્કૃતિનો સંદેશો પહોંચે તેવો પ્રયાસ કરે છે. ખાસ તો દુર-દુરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો માયાણી ચોકની ગરબી જોવા ઉમટી પડે છે.
૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ પ્રખ્યાત ઓમનગરની નવદુર્ગા ગરબી મંડળનાં આયોજક જયેન્દ્ર ચાંગાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી અમે આ ગરબી ચલાવીએ છીએ. અમારી ગરબીમાં ૪૦થી વધુ બાળાઓ પ્રાચીન ગરબા રમે છે અને દર વર્ષે અમે લોકોને કંઈક નવું આપવા પ્રયત્ન કરીએ છીએ. અમારા વિવિધ તાલીરાસ, દાંડિયારાસ અને ખાસ તો માંડવી રાસ જોવા લોકો દુર-દુરથી અહીં આવે છે.