૧૯૭ કર્મચારીઓના ટેસ્ટ કરાયા: મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ
અબતક, રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તા. ૨૯-૦૮-૨૦૨૦ ના રોજ આજી જીઆઈડીસી ખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ક કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર, એસપીઓટુ અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૧૯૭ લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ૧૪ કેસ પોઝિટિવ મળતા વધુ સારવાર માટે રીફર કરવામાં આવેલ છે, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
આ કેમ્પના આયોજન વિશે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, આજી જીઆઈડીસી ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓ સવારથી સાંજ સુધી એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. આ કેમ્પ મારફત જો કોઈપણ કર્મચારીને કોરોનાના લક્ષણ જણાતા તેને વધુ સારવાર અર્થે રીફર કરાવી કોરોનાની ચેઈન તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ મેડિકલ કેમ્પમાં આરોગ્ય શાખાની દસ મેડીકલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.