- 22 સપ્ટેમ્બરે યોજાનાર મોદીના કાર્યક્રમથી માત્ર 28 કિમિ જ દૂર બની ઘટના: ભારતીય
- કોન્સ્યુલેટે ગુનેગારો સામે કાર્યવાહી માટે અમેરિકન સત્તાવાળાઓ સમક્ષ મામલો ઉઠાવ્યો’
અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલાની નવી ઘટના સામે આવી છે. જેમાં ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. મેલવિલેમાં આવેલા આ મંદિરમાં તોડફોડ ઉપરાંત દીવાલો ઉપર અપશબ્દો અને મોદી વિરોધી લખાણ લખવામાં આવ્યું છે.
ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે મંદિરની તોડફોડની આકરી નિંદા કરી છે અને તેને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે. આ સાથે ગુનેગારો સામે કાર્યવાહી માટે અમેરિકન સત્તાવાળાઓ સમક્ષ મામલો ઉઠાવવામાં આવ્યો છે. ભારતીય કોન્સ્યુલેટે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, “મેલવિલે, ન્યૂયોર્કમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં
તોડફોડ અસ્વીકાર્ય છે.”
પોસ્ટમાં વધુમાં ઉમેર્યું હતું કે ’કોન્સ્યુલેટ સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે આ મામલો ઉઠાવ્યો છે.’ ન્યૂયોર્કમાં મંદિર પર હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા દિવસો પછી 22 સપ્ટેમ્બરે મોદી નાસાઉ કાઉન્ટીમાં એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરવાના છે. નાસાઉ કાઉન્ટી મેલવિલેથી લગભગ 28 કિમી દૂર સ્થિત છે.
સ્વામિનારાયણ સંસ્થા એ મંદિરને અપવિત્ર કરવાની ઘટનાની નિંદા કરી છે. સંગઠને કહ્યું કે ઉત્તર અમેરિકામાં વિવિધ હિંદુ મંદિરોમાં આવી જ ઘટનાઓ બની છે. એક નિવેદનમાં, સંગઠને કહ્યું કે તેઓ આ અપરાધના ગુનેગારો માટે પ્રાર્થના કરે છે કે તેઓ તેમની નફરતથી પોતાને મુક્ત કરે અને માનવતા તરફ આગળ વધે.
તોડફોડ પાછળ ખાલીસ્તાનીઓનો હાથ હોવાની શંકા
હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુગહ શુક્લાએ ટ્વિટર પર લખ્યું, “જે લોકો ચૂંટાયેલા નેતા પ્રત્યે તેમની નફરત વ્યક્ત કરવા માટે હિંદુ મંદિર પર હુમલો કરશે તેમની સંપૂર્ણ કાયરતા સમજવી મુશ્કેલ છે.” આ હુમલાને હિંદુ અને ભારતીય સંસ્થાઓ સામે તાજેતરની ધમકીઓના સંદર્ભમાં જોવું જોઈએ. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ તાજેતરમાં હિન્દુ અને ભારતીય સંસ્થાઓને ધમકી આપતો વીડિયો શેર કર્યો હતો. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને ન્યૂયોર્કમાં તોડફોડની ઘટના અને કેલિફોર્નિયા અને કેનેડામાં મંદિરો પરના હુમલા વચ્ચે સમાનતા દર્શાવી છે.