અમેરિકામાં ચૂંટણી દરમિયાન ઉભી થયેલી આંતરિક વિગ્રહની પરિસ્થિતિ હજુ યથાવત ?

વિશ્વની સૌથી પરિપક્વ લોકશાહી ગણાતી અમેરિકાની લોકતાંત્રીક વ્યવસ્થામાં ગત ચૂંટણીએ ઘમાસાણ મચાવી દીધી હતી. ટ્રમ્પકાર્ડ અને બન્ને રાજકીય પક્ષો વચ્ચે ઉભી થયેલી ઘર્ષણની પરિસ્થિતિ વચ્ચે નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે જો બિડેને દેશની કમાન સંભાળી લીધી છે.

તેમ છતાં અમેરિકા સરકાર વિરોધી તત્ત્વો આતંક ફેલાવે તેવી પ્રમુખ બિડેનને દહેશત પ્રવર્તી રહી છે.

અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે રાષ્ટ્રીય ધોરણે બુધવારે એલર્ટ જાહેર કરીને દેશ વિરોધી તત્ત્વો અને સરકાર વિરોધી તત્ત્વોનો પ્રમુખ પર હુમલાની દહેશત સેવાઈ રહી છે. કેટલીક સરકાર વિરોધી વિચારધારાઓ હિંસાનું વાતાવરણ ઉભુ કરવાની પેરવી કરતા હોવાની ગુપ્તચરના અહેવાલોએ સરકારને ચિંતામાં મુકી દીધી છે. ખોટી અફવાઓ અને ટોળાશાહીના કારણે હજુ અમેરિકામાં હિંસાનું વાતાવરણ સર્જાય તેવી શકયતા સેવાઈ રહી છે. રાષ્ટ્રીય આતંકવાદ સલાહકાર વ્યવસ્થા દ્વારા રાષ્ટ્રપ્રમુખને નિશાન બનાવાય તેવી આગાહી કરવામાં આવી છે.

૨૦મી જાન્યુઆરીએ આવેલા આ અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે હજુ કેટલાક સરકાર વિરોધી તત્ત્વો પ્રમુખ પર હુમલાની ફિરાકમાં છે.

ચૂંટણી પરિણામો અને જો બિડેનના સત્તા હસ્તાંતરણથી લઈને આજ સુધી અમેરિકામાં અલગ અલગ જગ્યાએ તણાવ અને હિંસાની ઘટનાઓ ચાલી રહી છે. સરકાર અને તંત્ર પર માનસીક દબાણ ઉભુ રાખવા માટે કેટલાક તત્ત્વો ઉપદ્રવ મચાવી રહ્યાં છે અને અંદર ખાને પ્રમુખને નિશાન બનાવવા માટેની ફિરાકમાં હોવાનું ગુપ્તચર અહેવાલમાં જણાવાયું છે. સરકારે આ માહિતીના પગલે એલર્ટ જારી કરીને કોવિડ-૧૯ના પ્રતિબંધની સાથે સાથે પ્રમુખની સુરક્ષામાં વધારો કર્યો છે.

ગૃહ વિભાગે જાહેરાત કરી છે કે, ૬ઠ્ઠી જાન્યુઆરીએ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હાઉસ પર કરેલા હુમલા જેવી દુર્ઘટનાઓ ફરીથી બની શકે છે.  આ તોફાનો દરમિયાન હથિયારો સાથે ૧૫૦ લોકોને ઝડપી લેવાયા હતા. તેમની પુછપરછ દરમિયાન કેટલાક તત્ત્વો બિડેનને નિશાન બનાવવાની ફિરાકમાં હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.