મેઘરાજાએ પેટર્ન ફેરવી: વેસ્ટ ઝોનમાં સૌથી ઓછો અને ઇસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ, મૌસમનો 24 ઇંચ વરસાદ વરસી ગયો: હજુ બે દિવસ ભારે
રાજકોટમાં આગામી બે દિવસ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મધરાતથી શહેરમાં મેઘાના મંડાણ થયા છે. બપોરે બે વાગ્યા સુધીમાં શહેરમાં 10॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. છેલ્લા બે કલાકથી મેઘરાજાએ વિરામ લેતા તંત્ર સાથે શહેરીજનોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે. આ વર્ષે મેઘરાજાએ જાણે પેટર્ન ફેરવી હોય તેમ વેસ્ટ ઝોનમાં આજે સૌથી ઓછો અને ઇસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં મધરાતથી મેઘરાજાના મંડાણ થયા છે. બપોર સુધીમાં શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં 263 મીમી એટલે કે 10॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અહીં મૌસમનો કુલ 479 મીમી વરસાદ પડ્યો છે. વેસ્ટ ઝોનમાં 184 મીમી વરસાદ વરસ્યો છે. અહીં મૌસમનો 530 મીમી વરસાદ પડ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં 245 મીમી એટલે કે 10 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. મૌસમનો કુલ 605 મીમી વરસાદ પડી ગયો છે. ચોમાસાની સિઝનનો કુલ 24 ઇંચથી પણ વરસાદ વરસી ગયો છે. એકધારા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. 150 ફૂટ રીંગ રોડ પરની સોસાયટીઓમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. લલુડી વોંકળી વિસ્તારમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હજુ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર એલર્ટ થઇ ગયું છે. છેલ્લા બે કલાકથી રાજકોટમાં મેઘરાજાએ વિરામ લીધો છે. કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે એક વ્યક્તિ તળાઇ જતા તેની લાશ રામનાથપરા સ્મશાનની દિવાલ પાસેથી મળી આવી હતી. મેયર, સ્ટે.ચેરમેન, મ્યુનિ.કમિશનર સહિતના પદાધિકારીઓ સતત ફિલ્ડમાં રહ્યા હતા. જો કે, મેઘરાજાનું જોર રાત્રે વધુ રહેવાના કારણે લોકોએ ઓછી હાલાકી ભોગવવી પડી હતી. વાતાવરણ હજુ મેઘાવી જોવા મળી રહ્યું છે. આકાશમાં કાળા ડિંબાગ વાદળોનો જમાવડો જામ્યો છે. હજુ બે દિવસ રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય, ગમે ત્યારે મેઘો ફરી મન મૂકીને વરસે તેવી સંભાવના જણાઇ રહી છે. તંત્ર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીના પગલે આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પણ રદ્ કરી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 55 તાલુકાઓમાં સવારથી વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે શ્રીકાર વર્ષા થવા પામી હતી. દરમિયાન આજે સવારથી 55 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. સવારે 6 થી 8 સુધીના બે કલાકના સમયગાળામાં કચ્છના અંજારમાં અનરાધાર અઢી ઇંચ અને રાજકોટમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નખત્રાણામાં દોઢ ઇંચ, ઉંમરાડામાં દોઢ ઇંચ, ગાંધીધામમાં સવા ઇંચ, મોરબી, કાલાવડમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ધ્રોલ, બાબરા, ખંભાળીયા, જેતપુર, કોટડા સાંગાણી, ધોરાજી, પાલીતાણા, મુંદ્રા, સિંહોર, જામનગર, ઉપલેટા, માંડવી, અબડાસા, તળાજા, ભાવનગર, વલ્લભીપુર, ઘોઘા, ગોંડલ, દ્વારકા, લોધિકા, જામ કંડોરણા, લાઠી, અમરેલી, રાણપુર સહિત 39 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.