ઉદ્યોગો, ધંધાર્થીઓ વીજ ચોરી કરી ઓછાભાવની હરિફાઈ કરતા હોય છે આવા કિસ્સામાં લોકોને જાગૃત બની વીજ ચોરીની માહિતી આપવા PGVCLના એમડીની હાંકલ
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની PGVCL કંપની કે જેના દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં તમામ પ્રકારના વીજ ગ્રાહકોને અવિરત અને સાતત્યપૂર્ણ વીજળી પહોચાડવામાં આવી રહ્યો છે. PGVCLના સાચા અને પ્રમાણિક ગ્રાહકોને ન્યાય મળી રહે તે માટે જીયુવીએનએલ ના માર્ગદર્શન હેઠળ વીજ લોસીસ ઘટાડવા માટે છેલ્લા ઘણાં સમયથી ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી કરોડો રૂપિયાની પાવર ચોરી પકડી પાડવામાં આવી છે. પીજીવીસીએલ હેઠળ વિજીલન્સ વિભાગ તથા સબ ડીવીઝન / ડીવીઝન ના અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા વીજ ચોરી ડામવા માટે સતત કામગીરીઓ કરવામાં આવી રહી છે અને તેનું પરિણામ પણ સારું મળી રહેલ છે.
PGVCL દ્વારા જરૂરી એનાલીસીસ અને લોકો દ્વારા સતત મળતી માહિતીના આધારે વીજ ચેકિંગની કામગીરી ખુબજ અસરકારક અને પરિણામલક્ષી બનેલ છે. લોકો દ્વારા PGVCLને વીજ ચોરી અંગેની સતત માહિતીઓ મળતી રહે છે.
એકસમાન ધંધાર્થીઓ દ્વારા પણ અમુક એકમો વીજચોરી કરી માર્કેટમાં ભાવ બગાડતા હોય સાચા વીજ ગ્રાહકો કે જે નિયમિત બીલ ભરપાઈ કરતા હોય અને વીજ ચોરી ન કરતા હોય તેઓને હરીફાઈની સ્થિતિમાં માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બનતું હોય છે. આથી PGVCL દ્વારા સર્વેને અપીલ કરવામાં આવે છે કે આપની જેમજ ધંધાકીય કામગીરી કરતા ઇન્ડસ્ટ્રીયલ કે કોમર્શિયલ ગ્રાહકો દ્વારા વીજ ચોરી કરીને આપના ધંધાને નુકસાન પહોચાડતા હોય તો તેમની માહિતી વીજ કચેરીને ખાનગીમાં પહોચાડવી જેથી કચેરી દ્વારા તે સ્થાન ઉપર ચેકિંગ કરી જરૂરી કાર્યવાહીઓ કરવામાં આવશે.
વીજ ચોરી અંગેની માહિતી આપવા માટે મોબાઈલ નં. 99252 14022 (રાજકોટ) તથા 0265-2356825 (વડોદરા) પર જાણ કરી શકાય છે. ઉપરાંત PGVCLની સબ ડીવીઝન, ડીવીઝન તેમજ સર્કલ ઓફીસમાં પણ વીજ ચોરી કરનારની માહિતી આપી શકાય છે. માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવે છે. ઉપરાંત છેલ્લા ઘણા મહિનાઓથી પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા વીજ ચોરી સામેની ઝુંબેશ અંગેની કામગીરીઓને ખુબજ હકારાત્મક રીતે લોકો સમક્ષ રજુ કરી જનહિતને ધ્યાને રાખી મીડિયામાં પુરતું કવરેજ આપવામાં આવતું હોવાથી સમાજ અને PGVCLના હિતમાં ખુબ મોટું કાર્ય કરી મીડિયા ચોથી જાગીર તરીકેની ફરજ બખૂબી નિભાવી રહ્યું છે. તે બદલ PGVCL મેનેજમેન્ટ મીડિયા પ્રત્યે આભાર વ્યક્ત કરે છે.
આપની આસપાસ વીજ ચોરી થતી હોય તો 99252 14022 ઉપર ધુમાવો ફોન: તમામ માહિતી રખાશે ગુપ્ત