મસિતિયા ગામના બાઈક સવાર બે ભાઈઓનું બાઇક ગાય સાથે ટકરાઈ ગયા પછી એકનું થઇ જતાં મૃત્યુ
જામનગર નજીક દરેડ-મસિતિયા રોડ પર રસ્તે રઝળતા ઢોરના કારણે વધુ એક માનવ જિંદગી હોમાઇ છે. જામનગર તાલુકાના મસીતીયા ગામમાં રહેતા બે ભાઈઓ બાઈક પર બેસીને દરેડ વિસ્તારના મજૂરી કામે જઈ રહ્યા હતા, જે દરમિયાન માર્ગમાં બાઈક સાથે ગાય ટકરાઈ જતાં મોટરસાયકલ ફંગોળાયું હતું, અને પાછળ બેઠેલા ભાઈનું હેમરેજ થઈ જતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મસિતીયા ગામમાં ટાવર પાસે રહેતા ઈરફાનભાઇ ઉમરભાઈ ખફી (ઉ.વ. 29) અને તેના મોટાભાઈ અલ્તાફભાઈ ઉમરભાઈ (ઉં.વ.35) કે જે બંને ભાઈઓ દરેડ વિસ્તારમાં કારખાનામાં છૂટક મજૂરી કામ કરે છે, જેઓ ગત સોમવારે તારીખ 6.2.2023ના સવારે નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી બાઇક પર બેસીને દરેડ મજૂરી કામે જવા માટે નીકળ્યા હતા. જેમાં નાનો ભાઈ ઇરફાન બાઈક ચલાવતો હતો.
જેઓ દરેડ મસિતીયા રોડ પર બજરંગ ફાર્મ નજીક પહોંચતાં માર્ગમાં એક ગાય આડી ઉતરી હોવાથી તેઓનું બાઈક ગાય સાથે ટકરાઈ ગયું હતું, અને ફંગોળાઈ જવાથી પાછળ બેઠેલા અલ્તાફભાઈ ને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હતી.
ઉપરાંત બાઈક ચાલક ઇરફાનભાઇને પણ ગાય સાથે અથડાવાના કારણે સામાન્ય ઇજા થઇ હતી.
દરમિયાન મોટાભાઈ અલતાફ ભાઈને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓની તબિયત લથડતાં વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન શુક્રવારે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.