કોરોનામુક્ત વિછીયા તાલુકામાં પણ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો : અમરેલીના તબીબનું રાજકોટ સારવારમાં મોત : જામનગરમાં વધુ ૧૦ કોરોનાની ઝપટે
રાજકોટમાં આજ રોજ શહેરી વિસ્તારમાં વધુ એક યુવાન કોરોનાગ્રસ્ત જાહેર થતા રાજકોટ સિટીમાં ૧૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનામુક્ત રહેલા રાજકોટના વિછીયા તાલુકામાં પણ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા રાજકોટના તમામ તાલુકા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે અમરેલીના કોરોના પોઝિટિવ તબીબનું રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં મોત નિપજ્યું છે. જ્યારે જામનગરમાં એક સાથે વધુ ૧૦ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે.
રાજકોટમાં ગઈ કાલે શહેર ને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજ રોજ સવારે શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા ૪૦ વર્ષના નિલેશભાઈ જીકરિયમના આધેડને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી એક માત્ર વિછીયા તાલુકો કોરોનામુક્ત રહ્યો હતો. પરંતુ ગઈ કાલે વિચિયામાં પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા રાજકોટ જિલ્લાના તમામ તાલુકા કોરોનાની ઝપટે ચડ્યા છે. રાજકોટમાં અત્યાર સુધી શહેરી વિસ્તારમાં ૧૨૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક ૨૦૦ને પાર પહોંચ્યા છે.
જ્યારે અમરેલીના ડો.જાદવ મેડિકલ ઑફિસરના માતાનું ગત તા.૯મી ના રોજ કોરોના પોઝિટિવ સારવારમાં મોત નિપજ્યું હતું. ત્યારબાદ ડો.જાદવને ૧૧મીના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેની હાલત ગંભીર જણાતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ગઈ કાલે તબીબનું કોરોનામાં મોત નિપજ્યું હતું. જ્યારે તેમની બહેનને પણ કોરોનાનો ચેપ લાગતા આઇસોલેટ કરવામાં આવ્યા હતા. તેઓની હાલત અત્યારે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અને ઇશ્વરીયા માં વધુ એક એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ ૪૮ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે.
જામનગરમાં ગઈ કાલે ફરી કોરોનાનો રાફડો ફાટ્યો હતો. વધુ એક સાથે ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગરમાં બહારથી આવતા લોકો સાથે કોરોનાનો ચેપ પણ લાગુ પડતા દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. જામનગરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૩૫ પર પહોંચી છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લામાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જૂનાગઢમાં વધુ પાંચ પુરુષનો રિપોર્ટ કોરો આ પોઝિટિવ આવ્યો છે. જેમાં બીએસએનએલના કર્મચારી, ખાનગી ફાયનાન્સ બેંકના બે કર્મચારી અને એક રત્નકલાકારનો સમાવેશ થાય છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોનાના વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ધોકડવા ગામે એક પરિવારના ત્રણ સભ્યો કોરોનાની ઝપટે ચડ્યા છે. દેવભૂમિ દ્વારકા માં વધુ એક કોરોના કેસ પોઝિટિવ નોંધાયો છે અને એક દર્દીનું સારવારમાં મોત નિપજ્યું છે.