હજુ થોડા દિવસ પહેલા જ એક્ટર સતીશ કૌશિકે સીને જગતમાંથી વિદાઈ લઈ લીધી હતી ત્યારે બોલીવુડ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે જેમાં અભિનેતા સમીર ખખ્ખરનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે. સમીર ખાખર શ્વસન અને અન્ય બિમારીઓથી પીડિત હતા. તેમને મુંબઈમાં બોરીવલીની એમએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
સમીર ખખ્ખરે નાની-નાની ભૂમિકાઓ ભજવીને દર્શકોના દિલ પર રાજ કર્યું હતું તેમણે પોતાના કરિયરની શરૂઆત 1987માં આવેલી ફિલ્મ જવાબ હમ દેંગેથી કરી હતી. આ ઉપરાંત તેણે મેરા શિકાર, શહેનશાહ, ગુરુ, નાત કી આંધી, જેવી ઘણી ઉત્કૃષ્ટ ફિલ્મોમાં પોતાના ઉત્તમ અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું હતું.
નુક્કડ સીરીયલથી મળી હતી ઓળખાણ
સમીર ખખ્ખરે 80ના દાયકામાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ડેબ્યુ પહેલા તે થિયેટર પણ કરતો હતો. તેણે વર્ષ 1986માં સિરિયલ નુક્કડથી ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. દૂરદર્શન પર આવતા આ કાર્યક્રમમાં તેમના પાત્રનું નામ ‘ખોપડી’ હતું. તે પછી તે દૂરદર્શનની સીરિયલ ‘સર્કસ’માં ચિંતામણિની ભૂમિકા ભજવતો જોવા મળ્યા હતો. સમીરે ડીડી મેટ્રોની સીરિયલ ‘શ્રીમાન શ્રીમતી’માં ફિલ્મ નિર્દેશક ટોટોની ભૂમિકા પણ ભજવી હતી. આ સિવાય તેણે સિરિયલ ‘સંજીવની’માં ગુડ્ડુ માથુરનો રોલ પણ કર્યો હતો. આ સિવાય તેણે ‘હસી તો ફસી’, ‘જય હો’, ‘પટેલ કી પંજાબી શાદી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સમીર ખખ્ખરે Zee5ની વેબ સિરીઝ સનફ્લાવરમાં પણ જોવા મળ્યા હતા.