ગુજરાતમાં બફારા અને તાપની સ્થિતિ વચ્ચે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો હવામાન વિભાગે આજે સવારે 10 વાગ્યા સુધીમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંતરાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો સુરત અને બરોડામાં પણ મેઘરાજાની ફરી સવારી જોવા મળી હતી. જેમાં બંને શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે અમરેલીના લીલીયામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ , તો નવસારી અને જેતપુર પાવી માં ત્રણ ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે,
આજે 26મી તારીખે ડાંગ, નવસારી, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ તો નર્મદા, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે. તો બીજી તરફ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.