- તામિલનાડુ-પુડ્ડચેરીમાં ભારે તબાહી મચાવ્યા બાદ ‘ફેંગલ’ની અસર અરબી સમુદ્રમાં આવવાની શક્યતા જેના કારણે 4થી 8 ડિસેમ્બરમાં એક ડિપ્રેશન સક્રિય અને ગુજરાતના વાતાવરણમાં પણ પલટો થશે
ફેંગલ વાવાઝોડાએ તામિલનાડુ-પુડ્ડચેરીમાં ભારે તબાહી મચાવી છે. હાલ વાવાઝોડાની ગુજરાત પર તો કોઇ અસર થઇ નથી. જો કે માનવામાં આવી રહ્યું છે કે 4થી 6 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વાતાવરણમાં પલટો આવી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદની પણ શકયતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું થઇ શકે છે. તામિલનાડુ-પુડ્ડચેરીમાં ભારે તબાહી મચાવ્યા બાદ ‘ફેંગલ’ની અસર અરબી સમુદ્રમાં આવવાની શક્યતા રહેશે. જેના કારણે 4થી 8 ડિસેમ્બરમાં એક ડિપ્રેશન સક્રિય થશે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થશે જેનો માર્ગ ઓમાન અથવા તો સોમાલિયા તરફનો રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આ ડિપ્રેશનના કારણે ભેજના લીધે અને વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદમાં છાંટા થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતના ભાગોમાં ચાર પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા થઈ શકે અને વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી છાંટા થઈ શકે છે.ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં લઘુતમ તાપમાન 14થી 15 ડિગ્રી રહી શકે છે.
સૌરાષ્ટ્રના ભાગમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહે છે.અંબાલાલ પટેલે જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી ઉપર રહ્યું છે પરંતુ બંગાળની ખાડીનો ભેજ અને અરબી સમુદ્રનો ભેજ આવવાના કારણે 4 થી 8 ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુતમ તાપમાનમાં વધારો થશે.આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે. 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આ પછીના ચાર દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે.