તત્કાલીન સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અને તેના પરિવારના સભ્યોના આઠ ફોન ટેપિંગમાં મૂકાયા હતા : અનિલ અંબાણી પણ તેમાંથી બાકાત ન રહ્યા
અબતક, નવી દિલ્હી : પેગાસસ સ્પાઈવેર મામલે એક પછી એક મોટા ધડાકા થઈ રહ્યા છે. અગાઉ અનેક હસ્તીઓના ફોન ટેપિંગ કરવામાં આવ્યાના રિપોર્ટ જાહેર થયા છે. ત્યાં વધુ એક રિપોર્ટ આવ્યો છે જેમાં દાવો કરાયો છે કે સીબીઆઈના વડા અને અરૂણકુમાર શર્મા સહિતના અધિકારીઓના પણ ફોનની જાસૂસી થઈ છે.
મળતી માહિતી મુજબ આલોક વર્માને 2018માં કેન્દ્ર સરકાર દ્વારા CBIના પૂર્વ પ્રમુખના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેના થોડા સમય પછી જ વર્માનું નામ પેગાસસની યાદીમાં સામેલ થઈ ગયું. આ સાથે અનિલ અંબાણી અને અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપના કોર્પોરેટ કમ્યુનિકેશન ઓફિસર, ટોની જેસુદાસનની સાથે તેમની પત્નીનું નામ પણ આ યાદીમાં સામેલ કરાયું હતું.
તત્કાલીન સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અને તેના પરિવારના સભ્યોના આઠ ફોન ટેપિંગમાં મૂકવામાં આવ્યા હોવાનો ધડાકો થયો છે. આ સાથે જાંબાઝ અધિકારી અરુણ કુમાર શર્મા સાથે સેકન્ડ-ઇન-કમાન્ડના વિશેષ નિયામક રાકેશ અસ્થાનાના ફોન પણ ટેપિંગ કરી તેમની જાસૂસી કરવામાં આવી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે.જો કે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અનિલ અંબાણી હાલમાં એ જ ફોન નંબરનો ઉપયોગ કરે છે કે નહીં તેની પુષ્ટિ કરી શકાતી નથી. અત્યારે એડીએમાંથી આ બાબતે કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતમાં દસોલ્ટ એવિએશનના પ્રતિનિધિ વેંકટા રાવ પોસિના, સાબ ઇન્ડિયાના વડા ઇન્દ્રજીત સિયાલ અને બોઇંગ ઇન્ડિયાના વડા પ્રત્યુષ કુમારના નંબર પણ 2018 અને 2019માં વિવિધ સમયગાળા પર લીક થયેલા આંકડામાં સામેલ છે. આ સાથે, લીક થયેલા ડેટામાં ફ્રેન્ચ કંપની એનર્જી ઇડીએફના વડા હરમનજીત નેગીનો ફોન પણ સામેલ છે.
જુનિયર એકસ્ટર્નલ અફેર્સ મિનિસ્ટરનો શાબ્દીક ઘા
પેગાસસ રિપોર્ટનો મુદ્દો ડેટા પ્રોટેકશન બીલને રોકવાનું ષડયંત્ર છે!!
જુનિયર એકસ્ટર્નલ અફેર્સ મિનિસ્ટર મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે પેગાસસ વિવાદ તેમની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિના અહેવાલ સાથે જોડાયેલો છે જેણે વ્યક્તિગત ડેટા સંરક્ષણ બિલની તપાસ કરી હતી, અને આ આવા કાયદાઓને રોકવાનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું હતું કે વિવાદથી સંસદને નિષ્ક્રિય કરવામાં આવે છે. રિપોર્ટ લોકસભા અધ્યક્ષને સુપરત કરવામાં આવ્યો છે. ડેટા પ્રોટેકશન એ જમીની કાયદો બનશે. તેને સાઇડલાઈન કરવા પેગાસસ રિપોર્ટ તૈયાર થયો છે. ડેટા પ્રોટેક્શન બિલને રોકવા માટે પેગાસસનો મુદ્દો બનાવીને આખું ષડયંત્ર બનાવવામાં આવ્યું છે.તેમ તેઓએ જણાવ્યું હતું.
વિરોધની આડમાં સંસદનું સન્માન ભુલાયું
પેગાસસ પર રાજ્યસભામાં હાઈ વોલ્ટેજ ડ્રામા : આઇટી મંત્રીના હાથમાંથી કાગળ લઈ ફાડી નખાયા!!
ઈઝરાયેલના સ્પાયવેર પેગાસસ દ્વારા કથિત જાસૂસીના વિવાદથી સતત ચોથા દિવસે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને સંસદની કામગીરી ખોરવી નાંખી હતી. રાજ્યસભામાં ગુરુવારે પેગાસસ જાસૂસી વિવાદ મુદ્દે નિવેદન આપવા ઊભા થયેલા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદે નિવેદન આંચકી લઈને ફાડી નાંખ્યું હતું. બીજીબાજુ લોકસભામાં કેન્દ્ર સરકારે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે બે બિલ રજૂ કર્યા હતા. જોકે, વિપક્ષના હોબાળાના કારણે સંસદની કાર્યવાહી મુલતવી રખાઈ હતી. આમ પેગાસસને લઈને રાજ્યસભામાં હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.જેમાં વિરોધની આડમાં સંસદનું સન્માન ભુલાયું હતું.