આમ આદમી પાર્ટીએ 182 બેઠકો પૈકી 169 બેઠકો માટે ઉમેદવારો કરી દીધા જાહેર: ઇશુદાન ગઢવી ખંભાળિયાથી લડે તેવી શક્યતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આમ આદમી પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. અલગ-અલગ 13 યાદીમાં ‘આપ’ દ્વારા 182 બેઠકો પૈકી 169 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરી દેવામાં આવ્યા છે. જો કે, મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી કંઇ બેઠક પરથી વિધાનસભાની આગામી ચૂંટણી લડશે તે હજુ સુધી એક સસ્પેન્સ બની રહ્યું છે. ગઇકાલે ‘આપ’ દ્વારા જાહેર કરવામાં આવેલી 13મી યાદીમાં અલગ-અલગ 12 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરાયા હતા. આજે બાકી રહેતી 13 બેઠકો માટે ‘આપ’ ઉમેદવારો જાહેર કરી દે તેવું માનવામાં આવી રહ્યું છે.
‘આપ’ દ્વારા ગઇકાલે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની નામની યાદીમાં અબડાસા વિધાનસભા બેઠક પરથી વસંતભાઇ ખેતાણીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ધનેરા બેઠક પરથી સુરેશભાઇ દેવડા, ઊંઝા બેઠક પરથી ઉર્વિશભાઇ પટેલ, અમરાઇવાડી બેઠક પરથી વિનય ગુપ્તા, આણંદ બેઠક પરથી ગીરીશ સાંડીલીયા, ગોધરા બેઠક પરથી રાજેશ પટેલ, વાઘોડીયા બેઠક પરથી ગૌતમ રાજપૂત, વડોદરા શહેર બેઠક પરથી જીગરભાઇ સોલંકી, મંજાલપુર બેઠક પરથી વિનય ચવાણ, કરંજ બેઠક પરથી મનોજ સોરઠીયા અને મજુરા બેઠક પરથી પી.વી.એસ. શર્માના નામની જાહેરાત કરવામાં આવી છે. ‘આપ’ દ્વારા ત્રણ બેઠકો માટે ઉમેદવારો પણ બદલવામાં આવ્યા છે. જેમાં અમરાઇવાડી બેઠક પરથી ભરત પટેલના સ્થાને વિનય ગુપ્તાને વડોદરા શહેરમાં ચંદ્રીકાબેન સોલંકીના સ્થાને જીગર સોલંકી અને માંજલપુર બેઠક પર વિરલ પંચાલના સ્થાને વિનય ચવાણને ટિકિટ આપવામાં આવી છે.