દૂધ સંપાદન વધવા છતાં ભાવ વધારો કરતો દૂધ સંઘ 

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે દૂધ ઉત્પાદકોને તા.11 એપ્રીલથી કિલો ફેટે રૂા.10નો વધારો કરવાનું નક્કી કર્યું છે. 10 દિવસના ટૂંકા ગાળામાં આ બીજો વધારો અપાયો છે તેમ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું.રાજકોટ દૂધ સંઘ રાજ્યના યુવા કેબિનેટ મંત્રી અને રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયાનાં માર્ગદર્શન હેઠળ અને ગોરધનભાઈ ધામેલીયાની અધ્યક્ષતામાં દૂધ ઉત્પાદક સંઘ આગળ વધી રહ્યો છે. દૂધ સંઘના વહીવટમાં તેની સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને પ્રાધાન્ય  આપવામાં આવે છે. જિલ્લાના દૂધ ઉત્પાદકો પશુ આહાર તરીકે કપાસીયા ખોળનો વધુ ઉપયોગ કરે છે. આજે કપાસીયા ખોળના ભાવો આસમાને પહોંચ્યા છે.

દૂધ ઉત્પાદકોને આર્થિક રાહત મળે તે માટે તેમજ કોરોના મહામારીને કારણે વકરતી જતી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારનાં ખેડૂતો અને પશુપાલકો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યાં છે ત્યારે રાજકોટ દૂધ સંઘે 10 દિવસના ટૂંકાગાળામાં પ્રતિ કિલો ફેટે રૂા.10નો ભાવ વધારવાનો નિર્ણય કરી દૂધ સંઘ સાથે જોડાયેલ 45000 દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે સહાયરૂપ થવા પ્રયાસ કર્યો છે.હાલ કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિ કારણે તેમજ સરકાર તરફથી મહાનગરોમાં કરફયુના કડક અમલને કારણે રાજકોટ દૂધ સંઘના દૂધ સંપાદનમાં દૈનિક 30,000 લીટરનો વધારો થયો છે. સંઘનું દૈનિક દૂધ સંપાદન 5-75 લાખ લીટરે પહોંચ્યું છે. દૂધ સંઘે આ અગાઉ તા.1/4/21થી રૂા.10નો ભાવ વધારેલ હતો. હાલ સંઘનું દૂધ સંપાદન વધવા છતાં દૂધ ઉત્પાદકોના આર્થિક હિતને ધ્યાને રાખીને ટૂંકા ગાળામાં બીજો રૂા.10નો ભાવ વધારો કરી પ્રતિ કિલો ફેટના રૂા.660 દૂધ મંડળીઓને તા.11/4થી ચૂકવવાનો નિર્ણય કર્યો છે. દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના રૂા.660 લેખે ચૂકવશે તેવી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.