મેયરથી મુખ્યમંત્રી તરીકેનાં વિજયભાઈ રૂપાણીનાં શાસનમાં રાજકોટ-સૌરાષ્ટ્રનાં વિકાસને વેગ મળ્યો,સૌરાષ્ટ્રની કાયાપલટ ઝડપી બની
રાજકોટ મનપામાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને મેયર તરીકે રહી સફળતાપૂર્વક શહેરનાં હિતમાં કાર્ય કરી ચૂકેલા નગરસેવક તેમજ હાલમાં ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે સમગ્ર રાજ્ય ના ઝડપી-ગતિશીલ વિકાસને મંત્ર બનાવી પ્રજા સમર્પિત ભાવ થી ફરજ બજાવી રહેલ તથા રાજકોટ-સૌરાષ્ટ્ર પર વિશેષ વ્હાલ વરસાવનારા રાજ્યના મુખ્યસેવક વિજયભાઈ રૂપાણીએ એઈમ્સ, એરપોર્ટ, બસપોર્ટ, આવાસ યોજના, અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ, કન્ટેનર ડેપો, જીઆઈડીસી, હોસ્પિટલ, ન્યૂ રેસકોર્ષ, સિક્સલેન હાઈવે બાદ રાજકોટ-અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેકટ માટે મંજૂરી આપીને રાજકોટને ખરા અર્થમાં વિકાસશીલ બનાવ્યું છે એવું જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી જ્યારે રાજકોટ મનપાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર હતા ત્યારે રાજકોટની પાણીની સમસ્યાને દૂર કરી હતી. ત્યારબાદ જ્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા છે ત્યારે તેમણે સૌની યોજના વડે રાજકોટ-સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દીધી છે. રાજકોટ હોય કે ગાંધીનગરમાં તેઓ રાજકોટની સુખાકારી માટે સદાય કાર્યશીલ રહ્યાં છે. મુખ્યમંત્રી તરીકે તેમણે સૌરાષ્ટ્ર ના પાટનગર રંગીલા રાજકોટને અનેક પ્રજાલક્ષી પ્રોજેકટની ભેટ આપી છે. આગામી સમયમાં રાજકોટને ચોવીસ કલાક પાણી મળે તેવી ભેટ આપવા પણ આપણા મુખ્યમંત્રીશ્રી મક્કમ છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીનાં શાસનમાં રાજકોટ-સૌરાષ્ટ્રમાં અનેક પ્રજાકીય કાર્યોને વેગ મળ્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી રાજકોટનાં હોવાથી રાજકોટને અનેક પ્રકારે ફાયદો થઈ રહ્યો છે અને રાજકોટમાં વિકાસ કાર્યો પૂરબહારમાં થઈ રહ્યાં છે. આજે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ, વિશ્વકક્ષાની હોસ્પિટલ, આધુનિક કક્ષાનું બસપોર્ટ, વર્લ્ડક્લાસ મ્યુઝિયમ, સુવિધાસભર મકાનો, રોડરસ્તા વગેરે નિર્માણ પામ્યા છે કે પામી રહ્યાં છે તે પાછળનું શ્રેય રાજકોટનાં ધારાસભ્ય અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ફાળે જાય છે. ઝડપભેર રાજકોટ વિશ્વનાં સૌથી વધુ વિકસતા શહેરોની યાદીમાં સ્થાન પામ્યું છે. સ્વચ્છતા મિશનમાં પણ રાજકોટનો દેખાવ ઘણો સારો છે. ઉપરાંત એક રીતે જોવા જઈએ તો મુખ્યમંત્રીશ્રી આખા ગુજરાતનું શ્રેષ્ઠ સંચાલન કરવામાં પોતાના હોમટાઉનને સર્વશ્રેષ્ઠ આપવાનું ભૂલ્યા નથી કે રાજકોટને જરા પણ ઓછું આવવા દીધું નથી. રાજકોટની સુખ, સુવિધા, સુખાકારી માટે સદાય કાર્યશીલ વિજયભાઈ રૂપાણી રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાત માટે એક પ્રજાવત્સલ લોકસેવક છે.