ફાયર વિભાગની પાંચ ગાડીઓએ પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, સદનશીબે કોઈ જાનહાની નહીં: અમદાવાદ અને મોરબીમાં પણ આગ લાગી
આગના બનાવો અટકાવવા તંત્ર કમરકસી રહ્યું છે તે વેળાએ જ ત્રણ શહેરોમાં આગની ઘટના બની
સુરતના સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ આગના કારણે દર્દીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બાદમાં ફાયર વિભાગની પાંચ ગાડીઓએ પાણી મારો ચલાવતા અંતે ઉપર કાબુ મેળવાયો હતો. જો કે, સદનશીબે આ આગના બનાવમાં કોઈ જાનહાની ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજ રીતે અમદાવાદ અને મોરબીમાં પણ આગ લાગવાના બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે.
સુરતના ટયુશન કલાસીસમાં આગ લાગવાની દુર્ઘટનાથી સમગ્ર રાજયમાં તંત્રએ એલર્ટ મોડ પર આવી જઈને ફાયર સેફટીનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે. હાલ દરેક શહેરમાં ફાયર સેફટી વિહોળી દરેક સંસ્થાઓને નોટિસ તેમજ સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આમ સુરત જેવી આગની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર કમરકસી રહ્યું છે. આ દરમિયાન સુરતમાં જ આજે ફરી એક આગની ઘટના સામે આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં આવેલા કેન્સર વિભાગમાં આજે આગ લાગી હતી. મીટર પેટીમાં સૌપ્રથમ આગ લાગતા આ આગ સમગ્ર વિભાગમાં ફરી વળી હતી. જો કે, આગ લાગ્યા વેંત જ દર્દીઓને કેન્સર વિભાગની બહાર ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ફાયર વિભાગની પાંચ ગાડીઓએ આવીને પાણી મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનશીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદમાં પણ એક મહેંદી બનાવતા કારખાનામાં આગ લાગી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પૂર્વે ગત શનિવારના સાંજના સમયે મોરબીના મોલમાં પણ આગ લાગી હતી. હાલ ફાયર સેફટીનું સઘન ચેકિંગ ચાલુ છે. આ દરમિયાન જ ત્રણ આગના બનાવ બનતા આ બનાવોએ સૌનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.