પાટડીના ખારા ઘોડાના અગરીયા પરિવારોને ર૦ દિવસથી પીવાનું પાણી નહીં મળતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાનગી કંપની દ્વારા ૪ ટેન્કરથી પાણી આપતું હોવાથી ર હજારથી વધુ અગરીયા પરિવારો હેરાન થઇ રહ્યા છે.
ખારાઘોડાના રણમાં અંદાજે ૨૦૦૦થી વધુ અગરીયા પરિવારો મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે પરંતુ તેઓને પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાની જવાબદારી પાણી પુરવઠા વિભાગની છે ત્યારે દર વર્ષે આ વિભાગ દ્વારા સરકારી ટેન્કરો મારફતે રણમાં અગરીયાઓને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે પાણી પુરવઠા વિભાગ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવતાં માત્ર ૪ ટેન્કરો દ્વારા જ રણમાં પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં ડ્રાઈવરો પણ બહારના હોય રણ વિસ્તારનાં રસ્તાઓથી માહિતગાર ન હોવાથી એક ટેન્કર દ્વારા દિવસ દરમ્યાન માત્ર એક જ ફેરો પાણીનો કરવામાં આવે છે. આથી અગરીયાઓના ઝુંપડા સુધી ૨૦-૨૫ દિવસે પણ પાણી પહોંચતું નથી .
હાલ ઠંડીની સીઝનમાં આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે ઉનાળાની સીઝનમાં કેટલા દિવસે પાણી મળશે તે અંગે પણ અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી છે.
આ મામલે અગરીયાઓ સાથે ખારાઘોડા ગ્રામ પંચાયતના સરપંચ વિરસીંગભાઈ દેગામા, પાટડી તાલુકા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ સહિતનાઓએ આગળ રહીને પાટડી પાણી પુરવઠા વિભાગ તથા ડેપ્યુટી કલેકટરને રજુઆત કરી હતી.
આ પાણી ર૦ થી રપ િેદવસ પીવા માટે ચાલે છે. જ્યારે નહાવા અને ધોવા માટે તો પાણી નસીબમાં જ નથી આથી આગામી ઉનાળામાં પરિવારને પીવાના પાણીની મુશ્કેલીઓ વધી જશે જેને ધ્યાને લઈ અગરીયા પરિવારોને ૮-૧૦ દિવસે પીવાનું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પાટડી પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ દરેક અગરીયા પરિવારોને ૧૦ દિવસે પાણી મળી રહે તે માટે આયોજન કરી વ્યવસ્થા કરવાની ખાત્રી આપી હતી.