હજુ કોરોનાની વૈશ્વિક મહામારી સંપૂર્ણ શાંત નથી થઇ ત્યાં સાથે જ મંકી પોક્ષ અને અન્ય ઝૂનોટિક વાયરસો પણ ફેલાવા લાગ્યા છે અને બધાના એપી સેન્ટર મનાતા ચીન પર ફરી એક વખત શંકાનો ડોળો જાય છે ત્યારે લાંગ્યા વાયરસએ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે ચીનમાં 35 લોકો તેનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દર્દીઓનો એકબીજા સાથે ગાઢ સંપર્ક કે સામાન્ય એક્સપોઝરનો ઇતિહાસ નહોતો, જે સૂચવે છે કે માનવ ચેપ છૂટાછવાયા હોઈ શકે છે. દરમિયાન, તાઇવાનના રોગ નિયંત્રણ કેન્દ્રો (CDC) હાલમાં વાયરસના ફેલાવાને ઓળખવા અને તપાસવા માટે ન્યુક્લિક એસિડ પરીક્ષણ પદ્ધતિની સ્થાપના કરી રહ્યા છે.
તાઇવાનના CDC ડેપ્યુટી ડાયરેક્ટર-જનરલ ચુઆંગ જેન-હસિઆંગે જણાવ્યું હતું કે લેંગ્યા વાયરસ એ નવો શોધાયેલ વાયરસ છે અને તેથી તાઇવાનની પ્રયોગશાળાઓ વાયરસને ઓળખવા માટે પ્રમાણિત ન્યુક્લિક એસિડ પરીક્ષણ પદ્ધતિની જરૂર પડશે, જેથી જો જરૂર હોય તો માનવ ચેપનું નિરીક્ષણ કરી શકાય છે.
લેંગ્યા હેનીપા વાયરસ શું છે?
ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં જોવા મળતા લેંગ્યા હેનીપાવાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં સંક્રમિત થઈ શકે છે.
ચુઆંગે જણાવ્યું હતું કે વાઈરસના માનવ-થી-માનવ ટ્રાન્સમિશનની જાણ કરવામાં આવી નથી, જો કે તે જ સમયે તેમણે કહ્યું કે CDC દ્વારા હજુ સુધી તે નક્કી કરવાનું બાકી છે કે શું વાયરસ મનુષ્યોમાં સંક્રમિત થઈ શકે છે કે કેમ અને લોકોને વાયરસ વિશે વધુ અપડેટ્સ પર ધ્યાન આપવાની ચેતવણી આપી છે.
પાલતુ પ્રાણીઓ પર કરવામાં આવેલા સેરોલોજિકલ સર્વેની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે પરીક્ષણ કરાયેલ બકરામાંથી 2 ટકા અને પરીક્ષણ કરાયેલા કૂતરાઓમાંથી 5 ટકા પોઝીટીવ આવ્યા હતા.
CDC ડેપ્યુટી ડીજીએ જણાવ્યું હતું કે 25 જંગલી પ્રાણીઓની પ્રજાતિઓના પરીક્ષણ પરિણામો સૂચવે છે કે શ્રુ (ઉંદર જેવું નાનું જંતુભક્ષી સસ્તન પ્રાણી) લાંગ્યા હેનીપાવાયરસનું કુદરતી જળાશય હોઈ શકે છે, કારણ કે 27 ટકા શ્રુ વિષયોમાં વાયરસ જોવા મળ્યો હતો.
લેંગ્યા વાયરસના લક્ષણો શું છે?
વાયરસથી સંક્રમિત થયેલા કેટલાક દર્દીઓમાં તાવ, થાક, ઉધરસ, ભૂખ ન લાગવી, સ્નાયુઓમાં દુખાવો, ઉબકા, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળે છે.
તેઓએ શ્વેત રક્તકણોમાં ઘટાડો પણ દર્શાવ્યો.
ઓછી પ્લેટલેટ ગણતરી, લીવર ફેઈલ અને કિડની ફેઈલ જોવા મળે છે
વાયરસ સૌપ્રથમ ક્યાં મળી આવ્યો હતો?
ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં ગુરુવારે પ્રકાશિત થયેલા “એ ઝૂનોટિક હેનિપા વાઈરસ ઈન ફેબ્રીલ પેશન્ટ્સ ઈન ચાઈના” શીર્ષકવાળા અભ્યાસમાં જણાવાયું છે કે ચીનમાં તાવ પેદા કરનાર માનવ બીમારી સાથે સંકળાયેલા નવા હેનીપાવાઈરસની ઓળખ કરવામાં આવી છે.
તપાસમાં ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં લેંગ્યા હેનીપાવાયરસના તીવ્ર ચેપવાળા 35 દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી અને તેમાંથી 26 દર્દીઓને માત્ર લેંગ્યા વાયરસથી ચેપ લાગ્યો હતો, જેમાં અન્ય કોઈ રોગાણુઓ નહોતા.