- ગૌરીદળ ગામે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવા ગયેલા વૃદ્ધને પોલીસ ઉપાડી ગઈ બાદ અવાવરું જગ્યાએથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા’તા
રાજકોટ શહેરના મોરબી રોડ વેલનાથ પરા શેરી નંબર 19 માં રહેતા અમરશીભાઈ કાનજીભાઈ સીતાપરા નામના 60 વર્ષીય વૃદ્ધ ગત તા. 12 ના રોજ બેડી ચોકડી સોખડા ચોકડી વચ્ચે એચપીના પંપ નજીક રાણીમાં રૂડીમાં મંદિર ગૌશાળાના રસ્તે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. જેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આશરે 6 દિવસની સારવાર બાદ વૃદ્ધનું મોત નીપજ્યું છે. મામલામાં પોલીસે માર મારી અવાવરૂ જગ્યાએ ફેંકી દીધાનો આક્ષેપ મૃતકના પરિવારે કર્યો છે.
રાજકોટમાં તાજેતરમાં પોલીસ કસ્ટડીમાં બે લોકોના મૃત્યુ પામ્યાંનો મામલો સળગી રહ્યો હોય દરમિયાન વધુ એક આક્ષેપ કરતી અરજી પોલીસ કમિશનરને આપવામાં આવી છે. શહેરના મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા આનંદભાઈ અમરશીભાઈ સીતાપરા નામના યુવકે તેના પિતા અમરશીભાઈ કાનજીભાઈ સીતાપરા (ઉ.વ.60) ના મૃત્યુ અંગે કુવાડવા રોડ પોલીસે મારકૂટ કરવાથી મોત થયાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને અરજી કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ બાબતે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. યુવકે અરજીમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગત તા. 12 ના રોજ તેના પિતા ગૌરીદળ ગામે ભાગવત સપ્તાહમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરવા ગયા હતા. ત્યારે ત્યાં કોઈ કારણોસર અજાણ્યા શખ્સો સાથે માથાકૂટ થતા પોલીસ બોલાવાઈ હતી. પોલીસ યુવકના પિતાને પીસીઆર વાનમાં વેસાડી લઇ ગઈ હતી તેવું સાથી સિક્યુરીટી ગાર્ડએ જણાવ્યું હતું.
આ ઘટનાક્રમ બાદ યુવકના પિતા બેડી ચોકડી પાસે ખરાબાની જગ્યામાં બેભાન હાલતમાં મળી આવતા અજાણ્યા શખ્સે પિતાના ફોનમાંથી ઘટનાની જાણ કરતા પરિવાર ત્યાં દોડી ગયો હતો. યુવકે પોલીસને જણાવ્યા અનુસાર પિતાના શરીરે કપડા ધૂળવાળા અને ઉજરડાના નિશાન હોય 108 મારફત સિવિલ હોસ્પીટલે ખસેડયા હતા. જેમનું સિવિલ હોસ્પિટલમાં ચાલુ સારવારમાં તા. 18ના રોજ મોત નીપજ્યું હતું. પીએમ બાદ અંતિમવિધિ કરી હતી પીએમ રીપોર્ટ મંગાવતા કાર્ડિયાક બ્રેઈન સ્ટ્રોકને કારણે મોત થયાનું તેમજ રીપોર્ટમાં મલ્ટીપલ ઇન્જરી, લીવર અને આંતરડાના ભાગે ઇજા, હેમરેજ જેવી ઈજાનું જાણવા મળતા પિતાને લઈ ગયેલ પોલીસે મારકૂટ કરતા મોત થયાની દ્રઢ શંકા હોય ન્યાયિક તપાસ કરવા યુવકે પોલીસ કમિશનરને અરજી કરી છે.